નોકરીએ જાય ત્યારે ચાર સંતાનોને ઘરમાં જ પૂરી જતાં અને આવે ત્યારે જ દરવાજો ખોલતાં માતા-પિતાનો 12 વર્ષીય પુત્ર ઘરની બહાર પરમિશન વિના રમવા ગયો તે દરમ્યાન માતા-પિતા આવી ચઢયા હતા. માતા-પિતા મારશે અથવા ઠપકો આપશે તે ડરથી ભાગી છૂટેલો પુત્ર આખી રાત નજીકના ગાર્ડનમા બેસી રહ્યો હતો. બાળક એટલી હદે ડરી ગયું હતું કે રાત્રે સૂતું પણ ન હતું. બીજાં દિવસે અગિયાર વાગ્યે એપા.ના બાળકો બગીચામાં આ બાળક બેસેલું જોવા મળતાં માતા-પિતા અને પોલીસને જાણ કરી હતી.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે એલ.પી. સવાણી રોડ ઉપર રહેતું દંપત્તિ ગુરુવારે મળસ્કે સાડા ચાર વાગ્યે અડાજણ પોલીસ મથકે આવ્યું હતું. ચાર સંતાનો પૈકી તેમનો 12 વર્ષીય પુત્ર ગુમ થઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. માતા-પિતા પૈકી માતા ઘરકામ કરતી હોવાનું અને પિતા છૂટક મજૂરી કરતા હોવાનું જણાવનાર દંપત્તિ જ્યારે પણ કામે જતું ત્યારે તેઓ બાળકોને ઘરમાં રાખી બહારથી તાળું મારી ચાવી તેમને આપી દેતાં પરત આવે ત્યારે બાળકો પાસેથી ચાવી માંગી દરવાજો ખોલતા.
બુધવારે બપોરે અઢી વાગ્યે ચારેય બાળકોને ઘરમાં બંધ કરીને ગયા હતા, પરંતુ સાંજે સાડા પાંચ વાગ્યે આવ્યા ત્યારે તાળું ખુલ્લું હતું અને 12 વર્ષીય મોટો બાળક ઘરની બહાર રમી રહ્યો હતો. માતા-પિતાને જોઇને તે ત્યાંથી ભાગી જતાં નાની બહેને જોઇ ગઇ હતી અને આ વાત માતા-પિતાને પણ કરી હતી. માતા-પિતા સવાર સુધી બાળકને શોધતા રહ્યા હતા, પરંતુ નહિ મળતાં છેવટે પોલીસ મથકે આવ્યા હતા.
મા-બાપના ડરથી જતો રહ્યો હોવાની કેફિયત પોલીસને વર્ણવી
પોલીસની તપાસ વચ્ચે ગુરુવારે સવારે અગિયાર વાગ્યે નજીકના ગાર્ડનમાંથી જ મળી આવ્યું હતું. બાળક હેમખેમ મળી જતાં તેઓ તેને પોલીસ મથકે લઇ આવ્યા હતા. સબ ઇન્સપેક્ટર એમ.એન. પરમારે બાળકની પૂછપરછ કરતાં તે માતા-પિતા ઠપકો આપશે તે ડરથી જતો રહ્યો હતો. રાત્રે બગીચામાં પણ ડર લાગતો હોઇ તે આખી રાત બેસી રહ્યો હતો.