હિન્દુ કેલેન્ડર મુજબ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી પર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ દિવસથી દસ દિવસ સુધી ચાલનાર ગણેશ ઉત્સવ શરૂ થાય છે, જે અનંત ચતુર્દશી સુધી ચાલે છે. આ તહેવાર બાપ્પાના ભક્તો ખૂબ ધામધૂમથી ઉજવે છે. અનંત ચતુર્દશીના દિવસે આવતા વર્ષે ફરીથી બાપ્પાની આવવાની મનોકામના સાથે ગણેશ વિસર્જન થાય છે અને આ ઉત્સવ પૂર્ણ થાય છે. એમ તો ગણેશના અષ્ટ રૂપોની પૂજા કરવામાં આવે છે, પણ ચાલો જાણીએ કે તેમાંથી કયું સ્વરૂપ સૌથી મંગલકારી માનવામાં આવે છે.
ગણેશ ચતુર્થી પર લોકો ભગવાનના સિદ્ધિ વિનાયક સ્વરૂપની પૂજા કરે છે. એવું કહેવાય છે કે ગણેશનું સિદ્ધિ વિનાયક સ્વરૂપ વધુ મંગલકારી હોય છે. એમ તો ગણેશજીના ઘણા અવતારો થયા છે, પરંતુ આઠ અવતાર વધુ પ્રસિદ્ધ છે, જેને અષ્ટ વિનાયક કહેવામાં આવે છે. આ અવતારો આ પ્રમાણે છે – મયૂરેશ્વર વિનાયક, સિદ્ધિ વિનાયક, શ્રીબલ્લાલેશ્વર, વરદ વિનાયક, ચિંતામણી વિનાયક, ગિરજાત્મજ વિનાયક, વિઘ્નેશ્વર વિનાયક અને મહાગણપતિ.
આ બધા જ સ્વરૂપોમાંથી સિદ્ધિ વિનાયક સૌથી વધુ મંગલકારી –
અષ્ટ વિનાયક સ્વરૂપોમાંથી સિદ્ધિ વિનાયકને સ્વરૂપ વધુ મંગલકારી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સિદ્ધટેક નામના પર્વત પર તેમના પ્રગટ થવાના કારણે તેમને સિદ્ધિ વિનાયક નામથી ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે ગણપિતના માત્ર આ સ્વરૂપની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ અને વિઘ્નો દૂર થાય છે. ગણપતિને વિઘ્નહર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે સૃષ્ટિની રચના પહેલા સિદ્ધટેક પર્વત પર ભગવાન વિષ્ણુએ પણ સિદ્ધિ વિનાયકની ઉપાસના કરી હતી. ત્યારે બ્રહ્માજી કોઈપણ વિઘ્ન વિના બ્રહ્માંડનું સર્જન કરી શક્યા હતા.
સિદ્ધિ વિનાયકનું સ્વરૂપ
જો ગણેશ ચતુર્થી પર સિદ્ધિ વિનાયકની પૂજા કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક હોય છે. સિદ્ધિ વિનાયકના રૂપની ચાર ભુજાઓ છે. તેમની બંને પત્ની રિદ્ધિ-સિદ્ધિ પણ સાથે વિરાજમાન છે. સિદ્ધિ વિનાયકના ઉપરના હાથમાં કમળ અને અંકુશ હોય છે. જયારે નીચેના હાથમાં મોતીની માળા હોય છે અને બીજા હાથમાં મોદક ભરેલું પાત્ર હોય છે. એક ધાર્મિક માન્યતા છે કે સિદ્ધિ વિનાયકની ઉપાસના કરવાથી લોકોના તમામ વિઘ્નો દૂર થાય છે. અને તમામ પ્રકારના દેવાથી છુટકારો મળે છે. એટલું જ નહીં, તેમની પૂજા કરવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે થાય છે અને સંતાન પ્રાપ્તિ થાય છે.
સિદ્ધિ વિનાયકના મંત્રો:
“ૐ સિદ્ધિવિનાયક નમો નમઃ”
“ૐ નમો સિદ્ધિવિનાયક સર્વકાર્યકત્રયી સર્વવિઘ્નપ્રશામણ્ય સર્વરાજ્યવશ્યાકારણ્ય સર્વજ્ઞાનસર્વ સ્ત્રીપુરુષાકારષણ્ય”