ગુજરાતીઓ જ્યાં ઇન્ડિયન આર્મીમાં ખૂબ જ ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે ત્યારે વલ્લભ વિદ્યાનગર સ્થિતિ 24 વર્ષીય યુવાન ઋતુરાજ ભાનુકુમાર પરમાર ઇન્ડિયન આર્મીની જજ એડવોકેટ જનરલ (JAG- જેગ) બ્રાન્ચમાં લેફ્ટનન્ટ તરીકે જોડાયાં છે. શનિવારે આર્મીની ઓફિસર્સ ટ્રેનિગ એકેડમી, ચેન્નઇ ખાતે તેમનાં માતાપિતાની હાજરીમાં તેમનું કમિશનિંગ થયું હતું.
ઋતુરાજ દેશની સૌથી કઠીન પરીક્ષામાંથી એક ગણાતી સર્વિસ સિલેક્શન બોર્ડની પાંચ દિવસની પ્રોસેસમાંથી નીકળીને દેશનાં પાંચ પુરુષ ઉમેદવારોમાં સ્થાન મેળવીને આ ઉપલબ્ધિ મેળવી હતી. આર્મી દર વર્ષે જેગ બ્રાન્ચ માટે માત્ર પાંચથી દસ ઉમેદવારો માટે જ જાહેરાત આપે છે.
આશરે 2,500થી 3,000 ઉમેદવારોમાંની કઠીન સ્ક્રીનિંગ પ્રોસેસ પછી છેલ્લે પાંચથી દસ ઉમેદવારોની પસંદગી થાય છે. આર્મીની જેગ બ્રાન્ચ આર્મીને લગતી તમામ લીગલ બાબતોનું ધ્યાન રાખે છે અને તેનું રક્ષણ કરે છે.
પાંચ દિવસનો સૌથી અઘરો ઇન્ટરવ્યૂ
ઇન્ડિયન આર્મી દર વર્ષે પાંચથી દસ પોસ્ટ માટે શોર્ટ સર્વિસ કમિશન માટે 21થી 27 વર્ષનાં લો-ગ્રેજ્યુએટ યુવાનો પાસેથી અરજી મંગાવે છે. ઇન્ટવ્યૂ બે સ્ટેજમાં હોય છે. જેમાં પ્રાથમિક સ્ક્રીનિંગ પછી સ્ટેજ ટુમાં સઘન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ યોજાય છે.
જેમાં આઇક્યુ, ઇક્યુ, સાયકોલોજીકલ, મેન્ટલ, ફિઝિકલ, ઇનિશિયેટીવ, ગ્રુપ, ઇએક્શન વગેરેને લઇને કેટલીય ટેસ્ટ યોજાય છે. આ સાથે પર્સનલ- ગ્રુપ ઇન્ટરવ્યૂ થાય છે. 2,500થી 3,000 ઉમેદવારોનાં સ્ક્રીનિંગ પછી 5 પુરૂષ ઉમેદવાર પસંદ થાય છે.
ગુજરાતીઓ માટે મોટિવેશનલ મૂવ: ઋતુરાજ
ચેન્નઇમાં કમિશનિંગ થયા બાદ શનિવારે ભાસ્કરે ઋતુરાજ પરમાર સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી ટ્રેનિંગ ખૂબ જ કોન્ફીડેન્શીયલ હોઇ તે વિશે હું વાત કરી નહીં શકું. મારા અધિકારીઓએ એક ગુજરાતી આ સેવામાં પસંદ થયો તેને એક મોટીવેશનલ મૂવ તરીકે જોયો છે. જે પણ લોકો આર્મીમાં જવા માંગે છે તેમના માટે લૉનું શિક્ષણ લીધા પછી આર્મીની જજ એડવોકેટ જનરલ બ્રાન્ચ પણ એક તક છે. આ વિભાગ આર્મીનાં તમામ લીગલ આસ્પેક્ટસનું ધ્યાન રાખે છે.