અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લ્હાયમાં ગુજરાતના પટેલ પરિવારનો માળો પિંખાયો!

Uncategorized

અમેરિકા અને કેનેડા બોર્ડર પર એમર્સન નજીક હચમચાવી નાંખે તેવી એક ઘટના બની છે, જેમાં એક બાળક સહિત 4 ભારતીયોનો પરિવાર બરફના તોફાનમાં ફસાઈ ગયો હતો અને માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ઠંડીથી થીજી જતાં તમામ મોતને ભેટ્યા છે. મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.

સૂત્રો પાસેથી મળેલા પ્રાથમિક રિપોર્ટમાં એવું જાણવા મળી રહ્યું છે કે, ઘટનામાં ભોગ બનનાર પરિવાર મૂળ ગુજરાતી હતો અને તેઓ ઉત્તર ગુજરાતનાં ગાંધીનગર જિલ્લાના કાલોલના ઢીંગુચા ગામના પટેલ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે મહિનાથી કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ 32, ગ્રીન સીટી વિભાગ-1 માં રહેતા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને બે સંતાનો હતા. 13 વર્ષની દીકરી અને એક 3 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે.

મૃતકોના નામ:

પટેલ જગદીશભાઈ બળદેવભાઈ (35)
પટેલ વૈશાલીબેન જગદીશભાઈ (33)
પટેલ વિહાનગી જગદીશભાઈ (13)
પટેલ ધાર્મિક જગદીશભાઈ (3)
કેનેડિયન પોલીસના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, મૃતદેહ મળ્યા પહેલાં એજ દિવસે યુએસ બાજુના બોર્ડર પર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલાં જ બોર્ડર ઓળંગી ગયા હતા. જેને કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. 4 કલાકની શોધખોળ બાદ મૃતદેહો મળી આવ્યા હતા.

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીય નાગરિકોના પરિવારનું ઠંડીથી મૃત્યુ થયા બાદ શોક વ્યક્ત કર્યો હતો અને યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો.

જો કે સત્તાધીશો માનવું છે કે, પટેલ પરિવાર હિમવર્ષાની ઝપેટમાં ત્યારે આવ્યો જ્યારે તેઓ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામનો પટેલ પરિવાર સંપર્ક વિહોણો થયો છે. જગદીશ પટેલ અને વૈશાલી પટેલ તેમના બે સંતાનો સાથે કેનેડા ગયા છે. છેલ્લા 2-3 દિવસથી તેઓનો સંપર્ક ના થતાં વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી હતી. જો કે કેનેડા બોર્ડર પર મળી આવેલા મૃતદેહ આજ પરિવારના છે કે કેમની કોઈ સ્પષ્ટતા નથી થઈ.

Leave a Reply

Your email address will not be published.