અમદાવાદમાં એક બેંક મેનેજર પતિ પોતાની શિક્ષક પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. અવારનવાર પત્નીને હેરાન કરતા પત્નીએ અગાઉ પણ પોલીસને જાણ કરી હતી.
આથી પોલીસે પતિને લોકઅપમાં રાખ્યો હતો. બાદ ફરીથી ત્રાસ આપવાનું શરૂ કરતાં પત્નીએ ફરીથી પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પતિ પત્નીને માર મારતો અને સાસુ-સસરા ઘર છોડી દેવાનું કહેતા હતા.
નવા નરોડામાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી
શહેરના નવા નરોડામાં રહેતા 40 વર્ષીય મહિલા શિક્ષકે પોતાના પતિ તથા સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ લગ્ન બાદ સારી રીતે રાખતો હતો. પતિ સુનિલ ડબગર ગાંધીનગર ખાતે ખાનગી બેંકમાં મેનેજર છે.
ઉત્તરાયણ કરવા મહિલાના માતા અને ભાઈ-ભાભી આવ્યા હતા ત્યારે હિંચકામાં મહિલાના માતા બેસવા જતા હતા ત્યારે મહિલાએ પોતું કરતી હોવાથી ના પાડી હતી. આથી મહિલાના પતિએ ઉશ્કેરાઇને મહિલાને માર માર્યો હતો. જેથી મહિલાએ પોલીસને જાણ કરીને પતિને લોકઅપમાં પૂરાવ્યો હતો.
સાસુ-સસરા મહિલા વિરૂદ્ધ પાડોશીના કાન ભંભેરતા
આ બાદ પણ મહિલાનો પતિ મહિલાને ત્રાસ આપતો હતો. મહિલાના સાસુ-સસરા પણ ક્યારેક તેમના ઘરે આવતા તો મહિલાને ઘર છોડીને જતા રહેવા કહેતા હતા. મહિલાને સતત હેરાનગતિ કરીને મહિલા વિરુદ્ધમાં પાડોશીના કાન પણ ભંભેરતા હતા.
આમ અવાર-નવાર ત્રાસ મળતા મહિલાએ આખરે 100 નંબર પર ફોન કરીને જાણ કરી હતી અને પોલીસ આવતા પોલીસ સ્ટેશન પહોંચીને પતિ સુનિલ, સાસુ રતન તથા સસરા હીરાલાલ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.