અમદાવાદમાં (Ahmedabad) પતિ, પત્ની અને વોનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ પત્નીને છોડીને પોતાની પ્રેમિકા સાથે બાઈક પર ફરતો હતો. તે દરમિયાન જ પત્ની પતિની આ પ્રેમલીલા જોઈ ગઈ હતી. અને બાદમાં ત્રણેય વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. જ્યારે પતિની પ્રેમિકાએ પત્નીને લાત પણ મારી હતી. જે બાદ પતિ પોતાની પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હતો. આ મામલે પત્નીએ પતિ અને તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના અમદાવાદના સાબરમતી વિસ્તારની છે. પત્ની પોતાના નાના પુત્રની દવા લેવા માટે હોસ્પિટલ ગઈ હતી. ત્યાંથી પરત ફરતી વખતે પત્નીએ પોતાના પતિને એક અજાણી યુવતી સાથે જોયો હતો. જે બાદ પત્નીએ જોર જોરથી બૂમો પાડી હતી. બૂમો સાંભળતાં જ પતિએ બાઈક રોકી દીધું હતું. અને સરેઆમ પત્ની સાથે ઝઘડો કરીને તેને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું.
જે બાદ પત્ની અને પતિ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ દરમિયાન પતિએ પત્નીને ધક્કો પણ માર્યો હતો. અને તેની પ્રેમિકાએ પણ પત્નીને લાત મારીને નીચે પાડી દીધી હતી. જે બાદ પતિએ પત્નીને ધમકી આપી કે જો પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ. અને આમ કહી તે પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હતો. જે બાદ પત્નીએ પોતાના ભાઈને બોલાવી આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.