એક તરફી પ્રેમમાં યુવકે મહિલાના પતિને કાપડના તાકા નીચે દાટી દીધો અને…

GUJARAT

જિલ્લાના પલસાણા ખાતે ઇકો ટેક્સટાઇલ પાર્કમાં આવેલી રતન પ્રિયા મિલમાં કામ કરતા યુવાનની કાપડના તાકા નીચે સડી ગયેલી લાશ મળતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે મિલના સીસીટીવીની ચકાસણી કરતાં તેને તેની સાથે જ કામ કરતા એક વ્યક્તિએ કાપડના તાકા નાખીને દાટી દઇ તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. મરનારની પત્ની સાથે હત્યા કરનારને એકતરફી પ્રેમ હોવાથી તેણે આ કૃત્ય આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પલસાણા તાલુકાના ઈટાળવા ગામે કાઠિયાવાડી હોટલની પાછળ આવેલા બિલ્ડિંગમાં આકાશબાબુ રામબહાદુર કોરી (ઉં.વ.21 મૂળ રહે. મધ્યપ્રદેશ) પત્ની સાથે રહેતો હતો. તે ઇકો ટેક્સટાઇલ પાર્કમાં રતન પ્રિયા મિલમાં કામ કરતો હતો. આકાશબાબુ સાથે લક્ષ્મણ ગિરજાશંકર પણ કામ કરતો હતો. લક્ષ્મણને આકાશબાબુની પત્ની ગમતી હોવાથી એકતરફી પ્રેમ કરતો હતો. લક્ષ્મણે અગાઉ આકાશબાબુની પત્નીને છેડતી કરતા તેને ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખીને આ કૃત્ય કર્યું હતું.

ગત સોમવાર તા.14મીએ રાત્રે નોકરી પર આકાશબાબુ અને લક્ષ્મણ મિલમાં કામ કરતા હતા. દરમિયાન મધ્યરાત્રિએ આકાશબાબુ કાપડના તાકા નજીક ઊંઘી ગયો હતો. એ સમયે લક્ષ્મણે કાપડના તાકા આકાશબાબુ પર ફેંક્યા હતા. આ કાતાઓ નીચે દટાઇ જતા આકાશબાબુનું મોત નિપજ્યું હતું. જો કે આ અંગે કોઇને ખબર નહોતી. દરમિયાન ગુરુવાર સવારે કાપડના તાકામાંથી દુર્ગંધ આવતાં કાપડના તાકા ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા જ સમગ્ર મામલે પર્દાફાશ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *