ગુજરાતનું સપ્રસિદ્ધ અને જગત જનની મા અંબાનું ધામ અંબાજીને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જગત જનની માં અંબાનાં ધામ અંબાજીને જોડતી ત્રિશૂળીયા ઘાટની રોનક બદલાઈ ગઈ છે. ત્રિશૂળીયા ઘાટનાં નવીનીકરણ પછી ઘાટીની રોનક એકદમ નવા રંગરૂપ સાથે બદલાઈ ગઈ છે. જેની હાલ તસવીર સામે આવી છે. જેને જોઈને કોઈનું પણ દિલ ખુશ થઈ જાય તેમ છે. ઘાટીની રોનક બદલવા માટે અને ઘાટીનાં નવીનીકરણ માટે અનેક પહાડોને બ્લાસ્ટ કરી તોડવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે છેલ્લા 10 વર્ષમાં અનેક વાહનો ખીણમાં ખાબક્યાં બાદ ઘાટીનાં માર્ગને પહોંળો કરવા નવીનીરણ કરાયું છે. અંબાજી જતા ત્રિશૂળ જેવા આકારની દેખાતી આ ઘાટી નવીનીકરણ બાદ ધનુષ આકારની જોવા મળી રહી છે. તંત્ર દ્વારા આ ઘાટી પર આવેલા ઘટાદાર જંગલોને નિહાળવા 2 વ્યુપોઇન્ટ પણ બનાવાયા છે. જેને લઈ ઘાટી પ્રયટક સ્થળ બની ગયું છે..
દાંતા અંબાજી ફોરલેન કામગીરીમાં અકસ્માત ઝોન ઘાટીને તોડતા કામ કરનાર એજન્સીને 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અંબાજી જતા દાંતાથી 4 કિલોમીટર આગળથી પહાડી વિસ્તાર શરૂ થાય છે જેને ત્રિશુલીયો ઘાટ કહે છે. 20થી વધુ નાનામોટા ઢાળ ધરાવતા ત્રિશૂળિયા ઘાટમાં સૌથી કઠિન ઢાળ હનુમાન મંદિર પાસે યુ આકારમાં હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજી જતા રસ્તામાં આવતા ત્રિશૂળિયા ઘાટનો મહિમા અનેક ગણો છે. ભાદરવી પૂનમના મેળામાં આ ઘાટ પર રથ ખેંચતા લોકોનો પરસેવો છૂટી જાય છે. પરંતુ હવે ત્રિશૂળિયો ઘાટ ચઢવો સરળ બન્યો છે. પહેલા ત્રિશૂળ આકારનો ઘાટ હવે ધનુષ્ય આકારનો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.