એક ‘વિવાહ’ ઐસા ભી! લગ્નના 3 દિવસ પહેલા દુલ્હન થઈ ઈજાગ્રસ્ત, જાન લઈને હોસ્પિટલ પહોંચી ગયો વરરાજા

about

ખંડવા- મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક અત્યંત રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મોમાં તો તમે આ પ્રકારની સ્ટોરી જોઈ હશે. પરંતુ આ કિસ્સો રિયલ લાઈફમાં બન્યો છે. શાહિદ કપૂર અને અમૃતા રાવની ફિલ્મ વિવાહ જેવી જ ઘટના અહીં બની છે. અહીં એક વરરાજા પોતાની દુલ્હન સાથે પરણવા માટે હોસ્પિટલ પહોંચી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં આ લગ્નની ચર્ચા થઈ રહી છે. મહાશિવરાત્રિના શુભ અવસર પર આ લગ્ન થયા. બન્ને પક્ષના લોકો પણ હાજર રહ્યા હતા.

ઉજ્જૈનના ભેરુઘાટમાં રહેતા રાજેન્દ્ર ચૌધરીના લગ્ન શિવાની નામની યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. 16 ફેબ્રુઆરીના રોજ બન્નેના લગ્ન હતા, પણ 13મી ફેબ્રુઆરીના રોજ એક અકસ્માતમાં યુવતીનો હાથ અને પગ બન્ને તૂટી ગયા.

તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પરિવારના લોકોએ નિર્ણય લીધો કે તેઓ હોસ્પિટલમાં જ આ લગ્ન કરશે. ઉલ્લેખીય છે કે શિવાની જુલવાનિયાની રહેવાસી છે. બન્નેના પરિવારના લોકો ખંડવા જિલ્લાના ભગવાનપુરામાં રહે છે.

લગ્ન ખંડવાના પડવા વિસ્તારમાં આવેલી એક ધર્મશાળામાં નક્કી કરવામાં આવ્યા હતા. લગ્નના ત્રણ દિવસ પહેલા એક દુર્ઘટનામાં શિવાની ઈજાગ્રસ્ત થઈ ગઈ. પ્રાપ્ત જાણકારી અનુસાર એક વાહને શિવાનીને ટક્કર મારી હતી. શિવાની પોતાના ઘરેથી દુકાન પર કંઈક સામાન લેવા માટે જઈ રહી હતી. તેને બડવાનીની જિલ્લા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવી હતી. ત્યારપછી તેને ખંડવા લાવવામાં આવી.

બન્ને પરિવારના લોકોએ લગ્ન ટાળવાના બદલે હોસ્પિટલમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હોસ્પિટલમાં જ તેમણે તૈયારીઓ શરુ કરી. હોસ્પિટલ તંત્રએ પણ લગ્ન માટે મંજૂરી આપી દીધી હતી. જનરલ વોર્ડમાં દાખલ શિવાનીને દુલ્હનની જેમ જ તૈયાર કરવામાં આવી. મેક-અપ કરવામાં આવ્યો, ઘરેણાં પહેરાવવામાં આવ્યા. તેની પથારીને મંડપની જેમ સજાવવામાં આવી. પંડિતજીએ હોસ્પિટલ આવીને લગ્ન કરાવ્યા.

લગ્નમાં વર અને વધુના પરિવારના લોકો સિવાય હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ પણ શામેલ થયા. યુવકના પરિવારે કહ્યું કે, લગ્ન પહેલાથી નક્કી હતા. હવે દુર્ઘટના થઈ તો લગ્ન ટાળવાનો કોઈ અર્થ નથી. આમ પણ અમે વહુ અને દીકરીમાં કોઈ ફરક નથી કરતા. શિવાની અમારા માટે દીકરી સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *