પ્રેમનો ઇઝહાર કરવા માટે પ્રેમી અથવા પ્રેમિકા કોઇ પણ હદ પાર કરી શકે છે અને નીતનવી તરકીબો અપનાવતા રહે છે. અમેરિકન એરફોર્સના પાયલટ સ્ટુઅર્ટ શિપ્પીએ તેની ગર્લફ્રેન્ડ મેરી લિસ્મનને પ્રપોઝ કરવા માટે એક ખાસ બલૂનથી એન્ગેજમેન્ટ રિંગ આકાશમાં 90,000 ફૂટ ઉંચે મોકલી હતી. બલૂન ફૂટી ગયા બાદ આ રિંગ ધરતી પર પડી ત્યારે તેણે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.
મિસૂરી રાજ્યના સ્ટુઅર્ટે ફાઇટર પ્લેન ઉડાવતા દોસ્તોની સાથે મળીને એન્ગેજમેન્ટ રિંગ આકાશમાં મોકલવાનો પ્લાન બનાવ્યો હતો, પણ પછી એક બલૂન દ્વારા એન્ગેજમેન્ટ રિંગની પ્રતિકૃતિ આકાશમાં છોડી હતી. એની સાથે એક કેમેરો ફિટ કરાયો હતો જેથી આ રિંગ આકાશમાં જતી હોય અને નીચે આવતી હોય એની યાત્રા કેમેરામાં કેદ થઈ શકે.
રિંગ મોકલતાં પહેલાં તેણે ઘણી વાર સિક્કા અને બીજી ચીજો આકાશમાં મોકલીને રિહર્સલ કરી લીધું હતું. તેનો આઈડિયા નિષ્ફળ ન જાય એ માટે આમ કરવામાં આવ્યું હતું. રિંગની પ્રતિકૃતિમાં ગ્લોબલ પોઝિશિનંગ સિસ્ટમ પણ ફિટ કરી હતી જેથી જ્યારે રિંગ નીચે આવી ત્યારે એને શોધી શકાય. જ્યારે આકાશમાંથી રિંગ નીચે આવતી હતી ત્યારે સ્ટુઅર્ટે તેની ગર્લફ્રેન્ડ મેરી લિસ્મનને અસલી રિંગ પહેરાવી હતી અને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર બાદ રિંગની પ્રતિકૃતિ પણ શોધી કાઢી હતી.