હિન્દુ પંચાગ અને શાસ્ત્રોમાં ચંદ્ર અને સૂર્યના રાશિ પરિવર્તનના તફાવતને આધારે દર ત્રણ વર્ષે એક વાર અધિક માસનો ઉમેરો થાય છે. ગત 2020ની સાલમાં અધિક એટલે કે પુરુષોત્તમ માસ આવ્યો હતો. જેને લઇને ચાલુ વર્ષે શરૂ થયેલા હિન્દુ પર્વોની મૌસમ પર સીધી અસર જોવા મળશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આસો માસમાં અધિક માસ આવ્યો હોય આ વર્ષે નવરાત્રિ પહેલાના રક્ષાબંધન, ગણેશચતુર્થી સહિતના પર્વો 18-19 દિવસ મોડા આવશે. જ્યારે નવરાત્રિ પછીના દશેરો, દિવાળી સહિતના પર્વો 10-11 દિવસ વહેલા આવશે.
જ્યોતીષીના જણાવ્યા મુજબ, હિન્દુ પંચાગ પ્રમાણે ચંદ્રમાં દર 27 દિવસે રાશી બદલે છે. જ્યારે સૂર્ય એક મહિને રાશી પરિવર્તન કરે છે. આ બન્ને વચ્ચે 03 દિવસનો તફાવત રહી જતાં દર ત્રીજા વર્ષે પૂર્ણ માસ બને છે. દર અઢીથી ત્રણ વર્ષે એક માસનો થતો વધારો અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ ગણવામાં આવે છે. બે અધિક માસ વચ્ચે સામાન્યપણે 28થી 36 માસનું અંતર હોય છે. કેટલાક શાસ્ત્રોમાં તો આ અંતર 32 મહિના, 14 દિવસ અને 4 કલાકનું નોંધવામાં આવ્યું છે. જે મહિને સૂર્ય સંક્રાતિ ન હોય તે અધિક માસ હોય છે. તેનાથી વિપરીત જે મહિને બે સૂર્ય સંક્રાતિ હોય તે ક્ષય માસ ગણવામાં આવે છે. આ બન્ને મહિને શુભ કાર્યો થઇ શકતા નથી. ગત વર્ષે 2020માં સપ્ટેમ્બર માસમાં આસો માસની સાથે અધિક માસ આવ્યો હતો. જ્યારે હવે 2023ની સાલમાં ફરી અધિક માસ આવશે.
નોંધનીય છે કે, ગત વર્ષે આસો માસની સાથે અધિક માસ આવ્યો હોય આ વર્ષે આસો માસ એટલે કે નવરાત્રિ પહેલાના ગુરુપૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશચતુર્થી સહિતના પર્વો ગત વર્ષની સરખામણીએ 18-19 દિવસ મોડા આવશે. ગત વર્ષે અધિક માસને કારણે જ ગણેશોત્સવ અને નવરાત્રિ વચ્ચે દોઢ મહિનાનું અંતર રહ્યુ હતુ. તેનાથી વિપરીત ગત વર્ષે આસો માસમાં અધિક માસને કારણે આ વર્ષે નવરાત્રિ બાદ આવતા દશેરો, દિવાળી, નૂતન વર્ષ સહિતના પર્વો 10-11 દિવસ વહેલા આવશે. આમ, ગત વર્ષે અધિક માસને કારણે આ વર્ષે હિન્દુ તહેવારોની તારીખમાં તફાવત જોળા મળશે.
કેટલાક મહત્વના પર્વોની તારીખમાં ફેરફાર
પર્વ- 2020 2021
ગુરુપૂર્ણિમા ૫ જુલાઇ ૨૩ જુલાઇ
શ્રાાવણ માસ ૨૧ જુલાઇ- ૯ ઓગસ્ટ
રક્ષાબંધન ૩ ઓગસ્ટ ૨૨ ઓગસ્ટ
જન્માષ્ટમી ૧૨ ઓગસ્ટ ૩૦ ઓગસ્ટ
ગણેશ ચતુર્થી ૨૨ ઓગસ્ટ ૧૦ સપ્ટેમ્બર
અનંત ચૌદશ ૧ સપ્ટેમ્બર ૧૯ સપ્ટેમ્બર
નવરાત્રિ આરંભ ૧૭ ઓક્ટોબર ૯ ઓક્ટોબર
દશેરો- ૨૫ ઓક્ટોબર ૧૫ ઓક્ટોબર
વાઘ બારસ ૧૨ નવેમ્બર ૧ નવેમ્બર
ધનતેરસ ૧૩ નવેમ્બર ૨ નવેમ્બર
દિવાળી ૧૪ નવેમ્બર ૪ નવેમ્બર
નૂતન વર્ષ ૧૬ નવેમ્બર ૫ નવેમ્બર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.