11 એપ્રિલના દિવસની શરૂઆત બોલિવૂડ માટે દુઃખદ રહી છે. જાણીતા એક્ટર અને સ્ક્રીન રાઈટર શિવકુમાર સુબ્રમણ્યમનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારે અનેક લોકોને ઉદાસ કરી દીધા છે.
અચાનક દુનિયાને કહ્યું અલવિદા
શિવકુમાર સુબ્રમણ્યમ થોડા સમય પહેલા જ ફિલ્મ મીનાક્ષી સુંદરેશ્વરમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની એક્ટિંગ અને રોલને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. એક્ટરનું અચાનક નિધન થયું છે અને હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે તેમનું નિધન કેવી રીતે થયું છે. અચાનક નિધનથી અનેક લોકોની આંખમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
2 મહિના પહેલા થયું હતું દીકરાનું નિધન
સૌથી વધારે દુઃખની વાત એ છે કે એક્ટર શિવકુમાર સુબ્રમણ્યમે 2 મહિના પહેલા જ પોતાના દીકરાને પણ ખોવ્યો હતો. તેમના દીકરાને બ્રેન ટ્યુમર હતું. તેના કારણે તેનું નિધન થયું હતું. દીકરાના મોતના 2 મહિના બાદ તેઓએ પણ દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના નિધન પર અનેક સ્ટાર્સ દુઃખ જાહેર કરી રહ્યા છે. ફિલ્મમેકર હંસલ મહેતા અને અશોક પંડિતે પણ શિવકુમાર સુબ્રમણ્યમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
આલિયા ભટ્ટની ફિલ્મોમાં કરી ચૂક્યા હતા કામ
એક્ટર શિવકુમાર આલિયા ભટ્ટની ફિલ્મ 2 સ્ટેટ્સમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય તેઓએ તીન પત્તી, રાની મુખર્જીની ફિલ્મ હિચકીમાં પણ જોવા મળ્યા હતા. તે સીરિયલ મુક્તિ બંધનમાં પણ કામ કરી ચૂક્યા હતા. એક્ટર હોવાની સાથે તેઓ ફિલ્મ પરિંદા, 1942 અ લવ સ્ટોરી અને હજારો ખ્વાહિશે એસી જેવી ફિલ્મો માટે પણ સ્ક્રીન પ્લે રાઈટર રહી ચૂક્યા હતા. શિવકુમારના અંતિમ સંસ્કાર મોક્ષધામ હિંદુ શ્મશાનભૂમિ, સીજર રોડ, અંબોલી, અંધેરી પશ્ચિમ, મુંબઈમાં થશે.