અભિનેત્રી પ્રિયંકા ચોપરા બની માતા

BOLLYWOOD

બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની ગઈ છે. આ જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. સરોગસી દ્વારા બાળકનો જન્મ થયો છે. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા ચોપરા વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ પણ જીતી ચૂકી છે.

‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા માતા બની

સોશિયલ મીડિયા પર માહિતી આપતાં પ્રિયંકા ચોપરાએ કહ્યું, ‘અમને એ જણાવતાં આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા બાળકનું સ્વાગત કર્યું છે. અમે આદરપૂર્વક કહેવા માંગીએ છીએ કે આ ખાસ સમય દરમિયાન અમારી ગોપનીયતાની કાળજી રાખવામાં આવે, અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આભાર’ જો કે મીડિયા અહેવાલ મુજબ પ્રિયંકા અને નિકે બેબી ગર્લનું સ્વાગત કર્યું છે. એટલે કે પ્રિયંકા સેરોગેસીની મદદથી બાળકીની માતા બની છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં નિક જોનાસ સાથે રાજસ્થાનમાં પરંપરાગત રીતે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપરા મોટાભાગનો સમય અમેરિકામાં તેના પતિ સાથે રહે છે.

પ્રિયંકા ચોપરા બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી

પ્રિયંકા ચોપરા બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક રહી છે. તે એક સમયે ફિલ્મો માટે સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી રહી છે. તેને તેના શાનદાર અભિનય માટે ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. જેમાં બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને પાંચ ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે.2016માં ભારત સરકારે પ્રિયંકા ચોપરાને પદ્મશ્રીથી સન્માનિત કરી છે અને ટાઇમ મેગેઝિને તેણીને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન આપ્યું છે જયારે ફોર્બ્સે તેને વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સ્થાન આપ્યું છે.

પ્રિયંકા ચોપરાનું ફિલ્મી કરિયર

વર્ષ 2000માં મિસ વર્લ્ડ બન્યા બાદ પ્રિયંકા ચોપરાએ તમિલ ફિલ્મ થામિઝાન (2002)થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણીએ ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય (2003)થી બોલીવુડમાં પ્રવેશ કર્યો. વર્ષ 2003માં પ્રિયંકા ચોપરાની ફિલ્મ અંદાજ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. ત્યારબાદ 2003માં આવેલી ફિલ્મ મુઝસે શાદી કરોગી, 2004માં આવેલી થ્રિલર ફિલ્મ એતરાઝ માટે પણ તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.આ પછી પ્રિયંકા ચોપરાએ 2006માં ડોન અને 2008માં ફેશન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણીએ ફેશન ફિલ્મમાં મુશ્કેલીમાં મુકાયેલી મોડલની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.બોલિવૂડમાં પગ મૂક્યા બાદ પ્રિયંકા ચોપરાએ હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાના અભિનય દ્વારા નામ કમાવ્યું હતું. ખાસ કરીને 2021માં ધ વ્હાઇટ ટાઇગર અને સાયન્સ ફિક્શન ધ મેટ્રિક્સ રીગ્રેશન્સમાં તેના અભિનયના ખુબ જ વખાણ થયા.

પ્રિયંકાએ પર્યાવરણ અને મહિલાઓના અધિકારો જેવા મુદ્દાઓ પર કર્યું કામ

પ્રિયંકા ચોપરાએ પર્યાવરણ અને મહિલાઓના અધિકારો જેવા સામાજિક મુદ્દાઓ માટે પણ કામ કર્યું છે. તેણે 2006થી યુનિસેફ સાથે કામ કર્યું છે અને 2010 અને 2016માં બાળ અધિકારો માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.