આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે. ત્રણેય લોકોના દેવતા ભગવાન શિવજીની ઉપાસના મૂળ સ્વરૂપે ત્રણ રૂપમાં કરવામાં આવે છે. ત્રણેય સ્વરૂપોની પૂજા માટે શ્રાવણનો સોમવાર ખુબજ ઉત્તમ છે. મનોકામનાની પૂર્તિ માટે ભગવાન શિવજીના આ ત્રણેય સ્વરૂપની કરવી જોઇએ પૂજા અર્ચના.
નીલકંઠ
સમુદ્ર મંથન દરમિયાન જ્યારે હળાહળ વિષ નિકળ્યુ તો શિવજીએ માનવતાની રક્ષા માટે એ વિષનું પાન કર્યુ. ભોલેનાથે વિષને તેમના ગળામાં જ રાખી લીધુ. જેનાથી તેમનો કંઠ નીલવર્ણનો થઈ ગયો. નીલો કંઠ હોવાના કારણે શિવજી નીલકંઠ કહેવાયા. આ રૂપની ઉપાસના કરવાથી શત્રુઓ પર જીત મેળવી શકાય છે. ષડયંત્ર કે તંત્ર-મંત્ર જેવી વસ્તુઓની અસર થતી નથી.
શ્રાવણના સોમવારે શિવજીના નીલકંઠ સ્વરૂપની ઉપાસના કરવા માટે શિવજી પર શેરડીના રસથી અભિષેક કરવો જોઇએ. ત્યારબાદ નીલકંઠ સ્વરૂપના મંત્ર ॐ નમો નીલકંઠાય નમ: મંત્રનો જાપ કરવો જોઇએ. આનાથી ગ્રહોની તમામ પીડા હરાઇ જાય છે.
નટરાજ
શિવજીએ વિશ્વના તમામ નૃત્ય, સંગીત કળાની શોધ કરી છે. શિવજીએ તેમના શિષ્યોને નૃત્ય કરવાની કળા સમજાવી છે. શિવજીએ એવા નૃત્યો બનાવ્યા જે આપણા મગજ, શરીર અને આત્માને અસર કરે છે. જીવનમાં સુખ-શાંતિ અને આનંદનો અનુભવ કરવા નટરાજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
જ્ઞાન, વિજ્ઞાન, કલા, સંગીત અને અભિનય ક્ષેત્રે સફળતા માટે પણ તેમની પૂજા કરવામાં આવે છે. શ્રાવણના સોમવારે સફેદ રંગના નટરાજની ઘરે પૂજા કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.તેમની પૂજામાં સફેદ ફૂલો અર્પણ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે.
મહામૃત્યુંજય
જેમની ઉપાસના કરીને મૃત્યુને જીતી શકાય છે, શિવજીનું તે સ્વરૂપ મહામૃત્યુંજય છે. ભગવાન શિવ આ સ્વરૂપમાં અમૃતનો કળશ લઈને ભક્તની રક્ષા કરે છે. ભગવાન શિવના મૃત્યુ સ્વરૂપની પૂજા અકાળ મૃત્યુ, સુરક્ષા, આરોગ્ય લાભો અને ઇચ્છાઓની પૂર્તિથી રક્ષણ પૂરું પાડે છે.
શ્રાવણના સોમવારે ભગવાન શિવના મહામૃત્યુંજય સ્વરૂપની પૂજા કરવા માટે શિવલિંગ પર બિલ્વ પત્ર અને જળાભિષેક કરો. શિવલિંગની પરિક્રમા કરો. મનોકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરો.