આજે પુષ્યનક્ષત્ર નિમિત્તે અંદાજે 200 કરોડનું સોનું-ચાંદી વેચાય તેવી શક્યતા

GUJARAT

કોરોનાના કેસો ઘટયા બાદ ધંધા–રોજગાર ધીરેધીરે પાટે ચડયા છે, ત્યારે દિવાળીના તહેવારો પૂર્વે બજારોમાં પણ ઘરાકી ખુલતાં કોરોના પછી પહેલીવાર તેજીનું તેજ ફેલાયું છે. શહેરના સૌથી જૂના માણેકચોકના સોના–ચાંદી બજારમાં આ વર્ષે ખરીદી વધી હોવાથી માણેકચોકમાં જ આવતી કાલે પુષ્યનક્ષત્રના દિવસે અંદાજે રૂ.10 કરોડ કે તેથી વધુ સોના–ચાંદીનો વેપાર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જ્યારે શહેરમાં કુલ રૂ.200 કરોડ સુધીનો વેપાર થવાની પણ વેપારીઓને આશા છે. એટલે વેપારીઓએ તેને લઇને તમામ તૈયારીઓ કરી લીધી છે.

શહેરના માણેકચોકના ચોકસી મહાજનના પ્રમુખ ચીનુભાઇ ચોકસીએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે છેલ્લી દિવાળીમાં લોકો સોના–ચાંદીની ખરીદી કરી શક્યા ન હતા. ત્યારે આ વર્ષે સોનાના ચાંદીના બજારમાં ઘરાકી ખુલી છે. દિવાળીનાં તહેવારોમાં સોના–ચાંદીનો 80 ટકા જેટલો વેપાર પુષ્યનક્ષત્રના દિવસે થાય છે. માણેકચોકના સોનાચાંદી બજારમાં દરવર્ષે થતાં અંદાજે 8 કરોડ સુધીના વેપારમાં આ વર્ષે વધારો થઇને 10 કરોડ કે તેથી વધુ પણ થઇ શકે છે.

તેવી જ રીતે સમગ્ર અમદાવાદ શહેરમાં પણ પુષ્યનક્ષત્રના દિવસે દર વર્ષે 100થી 150 કરોડનો વેપાર થતો હોય તેમાં પણ આ વર્ષે રૂ.200 કરોડ સુધીનો વેપાર થાય તેવો બજારનો માહોલ છે. જો કે આ વર્ષે લગડીની સાથે સાથે દાગીનાની ડિમાન્ડ વધી ગઇ છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોરોના પછી આ વર્ષે તહેવારો ધૂમધામથી ઉજવવાની છૂટ મળતાં લોકો છૂટા હાથથી સોના ચાંદીની ખરીદી કરતા હોવાથી બજારમાં ઘરાકી ખુલી છે. ગત વર્ષે કોરોનાના કારણે જે ફટકો બજારોને પડયો હતો તેની શહેરીજનો કસર પૂરી કરતા હોય તે પ્રમાણનો માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *