આજે આ રીતે બનાવી લો ભીંડાનું શાક, થશે ચારેકોર વખાણ

Uncategorized

ભીંડા એ એક એવું શાક છે જેને બાળકોથી લઈને મોટેરાંઓ એટલે કે પરિવારના દરેક સભ્યો કોઈ પણ નખરા કર્યા વિના ફટાફટ ખાઈ લેતા હોય છે. પણ જો તમે સાદું ભીંડાનું શાક કે દહીં વાળું ભીંડાનું શાક બનાવીને કંટાળ્યા છો તો તમે આ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગ્રેવીવાળા ભીંડાના શાકને ટ્રાય કરી શકો છો. પરિવારના તમામ સભ્યો તેને ફટાફટ ચાઉં કરી જશે અને તમારા વખાણ કરતા થાકશે નહીં.

ભીંડી મસાલા ગ્રેવી

સામગ્રી

ટોમેટો પેસ્ટ માટે

-3 મધ્યમ કદના ટામેટા સમારેલા
-1/2 ઈંચનો આદુંનો ટુકડો
-4 થી 5 કળી લસણની
-1 થી 2 નંગ લીલા મરચાં
-2 ટેબલસ્પૂન દહીં
-2 નંગ લવિંગ
-1 નંગ ઈલાયચી
-1/2 ઈંચનો તજનો ટુકડો
-1 નંગ જાવંત્રી

અન્ય સામગ્રી

-250 ગ્રામ ભીંડા
-1/2 કપ ડુંગળી સમારેલી
-1/2 ટીસ્પૂન કસૂરી મેથી
-2 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
-1 નંગ તમાલપત્ર
-1/4 ટીસ્પૂન હળદર
-1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટીસ્પૂન ધાણા પાવડર
-1/2 ટીસ્પૂન જીરૂં પાવડર
-2 ટેબલસ્પૂન તેલ ભીંડા સાંતળવા માટે
-2 ટેબલસ્પૂન તેલ ગ્રેવી બનાવવા માટે
-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ ભીંડાને સારી રીતે ધોઈને સૂકવી દો. દરેક ભીંડાને સારી રીતે લૂછી લો. ભીંડાને દોઢથી અઢી ઈંચના ટુકડામાં કટ કરી લો. હવે તેને એકબાજુ પર મૂકી દો. ગ્રાઈન્ડર જાર લો અને તેમાં સમારેલા ટામેટાં, આદું, લસણ અને લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરીને ગ્રાઈન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ બનાવતી વખતે તેમાં પાણી ઉમેરવું નહીં. હવે આ પેસ્ટને પણ એકબાજુ પર મૂકી દો. ત્યાર બાદ એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ભીંડા ઉમેરીને બરાબર સાંતળો. ધીમા તાપે સતત હલાવતા રહો. બધી બાજુથી લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે સાંતળો. બરાબર સંતળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢીને બાજુ પર મૂકો. હવે એ જ કડાઈમાં બીજી બે ચમચી તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર ઉમેરીને થોડીક સેકન્ડ માટે સાંતળો. હવે તેમાં અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને બરાબર મિક્સ કરીને ચઢવા દો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરૂં પાવડર ઉમેરીને ગેસ બંધ કરી દો. બધા જ મસાલા એકબીજા પર સારી રીતે ચઢી જાય ત્યાં સુધી સાંતળો. ગેસ બંધ કરી દેવાથી મસાલા બળી નહીં જાય. હવે ફરીથી આ પેનને ગેસ પર મૂકો. તેમાં ધીમે રહીને ટોમેટો ગ્રેવી ઉમેરીને મિક્સ કરી લો. ધીમા તાપે ગ્રેવીને ચઢવા દો. તેમાંથી તેલ છૂટે ત્યાં સુધી ચઢવા દો. હવે તેમાં પોણો કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને ગ્રેવીને ફરી ચઢવા દો. ત્યાર બાદ તેમાં સાંતળેલા ભીંડા ઉમેરીને બરાબર મિક્સ કરો. લગભગ પાંચથી છ મિનિટ ચઢવા દીધા બાદ શાકની સરસ મજાની સુગંધ આવવા લાગશે. વધારે ટાઈમ ગ્રેવીને ચઢવા દેવી નહીં. નહીં તો ભીંડા નરમ થઈ જશે. હવે તેમાં કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરો. તમે એકથી બે ટેબલસ્પૂન લો ફેટ મલાઈ પણ ઉમેરી શકો છો. બરાબર મિક્સ કરી લો. બે ચમચી કોથમીરથી ગાર્નિશ કરીને ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ સબ્જીને પરાઠા સાથે સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *