વસોની પરિણીતાએ પતિ તેમજ સાસુ અને નણંદ વિરુદ્ધ શારિરીક માનસિક ત્રાસ આપી, પતિ દ્વારા આડાસંબંધોનો વહેમ રાખી ઝઘડો ટંટો કરી મારઝૂડ કરી પહેરેલ કપડે ઘરમાંથી બહાર કાઢી મૂકતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આણંદ જિલ્લાના આંકલાવની 41 વર્ષીય મહિલાના લગ્ન 13 વર્ષ અગાઉ વસોમાં રહેતા રજનીકાન્ત સાથે થયા હતા. લગ્ન બાદ સંતાનમાં એક દિકરા તથા એક દિકરીનો જન્મ થયો હતો.
ગત તા.12 એપ્રિલના રોજ પરિણીતાના જેઠના ઘરે દિકરાની બાધા, તા.19મીએ માતાજીની પલ્લી અને 20મીએ જવારા વિસર્જન હતા. પરિણીતાની દિકરી અને નણંદે જવારા માથે લીધેલ હોય પરિણીતા મોબાઈલમાં તેમના ફોટા પાડી રહી હતી. દરમિયાન પતિએ ઉશ્કેરાઈ જઈ તુ ફોટા પાડતી સારી નથી લાગતી, બંધ કર બધુ તેમ કહી અપશબ્દો બોલ્યા હતા.
અવારનવાર પરિણીતા પર આડાસંબંધનો વહેમ રાખી ઝઘડો કરી, પિયરમાંથી ઘર બનાવવા માટે પૈસા લઈ આવવા જણાવતા હતા. પૈસા લાવવાની ના પાડે તો મારઝૂડ કરી નણંદ અને સાસુ પણ પતિનું ઉપરાણું લઈ શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.
તા.21મી એપ્રિલના રોજ પરિણીતાએ પતિને જમવા માટે કહેતા પતિએ ઉશ્કેરાઈ જઈ આડાસંબંધનો વહેમ રાખી ગડદાપાટુનો માર મારી, અપશબ્દો બોલી, મોબાઈલ લઈ પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. પરિણીતાએ આ મામલે વસો પોલીસ મથકે પતિ રજનીકાન્ત જીવણભાઈ, નણંદ રેશ્મા પ્રદિપભાઈ અને સાસુ ભાનુમતિ ઉર્ફે ભીખી જીવણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.