આગામી 8 ઓગસ્ટથી દશામાના વ્રતની શરૂઆત થઈ રહી છે, ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. જે અંતર્ગત આ વર્ષે પણ શ્રદ્ધાળુઓને દશામાની મૂર્તિનું સ્થાપન અને વિસર્જન ઘરે જ કરવું પડશે.
દશામાના વ્રતની પૂર્ણાહુતિ બાદ મૂર્તિઓના વિસર્જન માટે સાબરમતી નદીમાં ખાસ કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવે છે. જો કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે કુત્રિમ કુંડોમાં વિસર્જન નહીં કરી શકાય. આટલું જ નહીં, પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓને ટોળામાં શોભાયાતાર કાઢીને દશામાની મૂર્તિનું વિસર્જન ના કરવાની અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી 8 થી 17 ઓગસ્ટ સુધી દશામાનું વ્રત આવી રહ્યું છે. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી છે.
10 દિવસનું દશામાનું વ્રત પૂર્ણ થયા બાદ માતાજીની મૂર્તિના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા અનેક ઠેકાણે કુત્રિમ કુંડો તૈયાર કરવામાં આવે છે. જો કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કુત્રિમ કુંડો નહી બનાવવામાં આવે. જેથી શ્રદ્ધાળુઓને ઘરમાં જ મૂર્તિનું વિસર્જન કરવું પડશે.