આ ઘર ખરીદશો તો તમને થશે રૂ.1500 કરોડથી વધુનો ફાયદો

GUJARAT

અમેરિકાનું સૌથી મોંઘું ઘર ‘The One’ હવે ખૂબ જ સસ્તામાં વેચાઇ રહ્યું છે. તેની કિંમત હવે 2179 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ ઘરમાં 21 આલીશાન બેડરૂમ, 4 સ્વિમિંગ પુલ, 45 સીટોવાળું થિયેટર, 30 કાર રાખી શકાય તેવું ગેરેજ, દોડવા માટે રનિંગ ટ્રેક, એક ઇન્ડોર સ્પા, એક બ્યુટી સલૂન બનેલું છે.

અમેરિકાના સૌથી મોંઘા ઘરની કિંમત છેલ્લાં એક વર્ષની સરખામણીમાં હવે ઘણી ઓછી થઇ ગઇ છે. 21 બેડરૂમવાળા આ આલીશાન ઘરની કિંમત હવે રૂ.2179 કરોડ રૂપિયા થઇ ગઇ છે. જો કે આની પહેલાં ડેવલપર 3700 કરોડ રૂપિયામાં આ ઘરનું વેચાણ કરવા માંગતા હતા. એટલે કે હાલ જો કોઇ આ ઘર ખરીદવા માંગે છે તો ખરીદનારને 1521 કરોડથી વધુનો ફાયદો થશે.

‘ધ સન’માં છપાયેલા એક સમાચાર પ્રમાણે આ શાનદાર ઘરને બનાવામાં અબજો રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ હજી પણ સંપૂર્ણપણે બનીને તૈયાર નથી. પરંતુ કંપનીએ દેવાળિયું ફૂંકતા તેને વેચી રહી છે. હોલિવુડ નિર્માતામાંથી ડેવલપર બનેલા નીલ નિયામીએ સાત વર્ષ પહેલાં આ ઘરના બાંધકામ માટે 600 કર્મચારીઓને કામ પર રાખ્યા હતા.

ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેને હરાજી માટે મૂકાયો હતો. પરંતુ બાદમાં ઘરને વેચાણની યાદીમાંથી હટાવી દેવાયું હતું. પરંતુ હવે ઘરના માલિકે દેવામાં ડૂબવાના લીધે એક વખત ફરીથી તેને ઓછી કિંમત પર વેચવાનો નિર્ણય લીધો છે.

કેલિફોર્નિયાના સુરમ્ય પહાડી વિસ્તારમાં બનેલા આ ઘરનું નામ ‘The One’ છે. તેનો એરિયા અંદાજે 10 હજાર વર્ગ ફૂટ છે. આ ઘરમાં 21 આલીશાન બેડરૂમ, 4 સ્વિમિંગ પુલ, 45 સીટોવાળું થિયેટર, 30 કાર રાખી શકાય તેવું ગેરેજ, દોડવા માટે રનિંગ ટ્રેક, એક ઇન્ડોર સ્પા, એક બ્યુટી સલૂન બનેલું છે. આ ઘર ચારેયબાજુથી ખુલ્લું છે અને ત્યાંથી આખા શહેરનો સુંદર નજારો જોઇ શકાય છે. આ ઘરના પાડોશીઓમાં હોલિવુડ સ્ટાર સામેલ છે.

અમેરિકાનું સૌથી મોંઘુ ઘર ‘The One’

નિયામીએ કહ્યું કે જો તેમની પાસે મોનાલિસા જેવી કોઇપણ દુર્લભ વસ્તુ હોય તો તમે તેને કોઇપણ કિંમત પર વેચી શકો છો. પરંતુ તેમની સાથે એવું કંઇ પણ થયું નથી. તેમને પોતાનું આ આલીશાન ઘર સસ્તા ભાવે વેચવું પડી રહ્યું છે.

આની પહેલાં અમેરિકાનું સૌથી મોંઘુ ઘર મેનહટ્ટનમાં હેજ ફંડ અબજોપતિ ફેન ગ્રિફિને ખરીદ્યું હતું. તેની કિંમત 17 અબજ 57 કરોડ રૂપિયા હતી. તો દુનિયાની વાત કરીએ તો ચીનના એક બિઝનેસમેને બ્રિટનમાં મેગા હવેલી ખરીદવા માટે 20 અબજ 31 કરોડ રૂપિયાનો સોદો કર્યો છે. જ્યારે એક સાઉદી રાજકુમાર એક ફ્રાન્સીસ રિસોર્ટને 22 અબજ 25 કરોડ રૂપિયામાં ખરીદી ચૂકયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *