શુક્રવારે શહેર સહીત દેશભરમાં ગણેશોત્સવનો ભારે રંગેચંગે પ્રારંભ થયો છે. ગત વર્ષે કોરોનાના કારણે બાપ્પાની આગતા સ્વાગતા યોગ્ય રીતે ન કરી શકનાર ગણેશ ભક્તોનો આ વર્ષે ઉત્સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. ઘરે ઘરે શેરી મહોલ્લામાં હવે જયારે શ્રીજીની સ્થાપના થઇ ચુકી છે. ત્યારે અનેક ભક્તોએ અનોખી રીતે ગણેશજી સ્થાપના કરી છે. કેટલાક ભક્તોએ માટીની તો કેટલાક ભક્તોએ થીમ બેઇઝડ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરી છે.
સુરતની એક મહિલા તબીબે 201 નાળીયેરમાંથી બનેલી ગણેશજીની આકર્ષક પ્રતિમાની સ્થાપના કરી છે. 201 નાળીયેરમાંથી બનેલા આ ગણપતિની ખુબ આકર્ષક દેખાય છે. પ્રતિમામાં દરેક નાળિયેર પર દેવી દેવતાની તસ્વીર કંડારવામાં આવી છે. સુરતની મહિલા તબીબ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર ગણપતિ બાપ્પાને પ્રસ્થાપિત કરવામાં આવે છે. તેમાં આ વર્ષે સૂકા નાળીયેરમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે અને સુરતના એક મોલમાં તેને મુકવામાં આવી છે.
તેમનું કહેવું હતું કે ગણેશજીની સ્થાપના કર્યા પછી પણ તે ઉપયોગી થઇ શકે તેના માટે તેઓએ નાળીયેરથી આ પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું હતું અને તેઓએ 201 નાળિયેર પર દેવી દેવતાઓને કંડારીને બાપ્પાને આકાર આપ્યો છે. માત્ર ગણપતિ જ નહીં તેમની સાથે બીજા 201 હિન્દૂ દેવી દેવતાઓની પણ પૂજા થાય તેવા હેતુ સાથે નાળિયેરી પર દેવી દેવતાઓના ચિત્રો પણ દોરવામાં આવ્યા છે.
મોલમાં ભક્તોના દર્શન માટે મુકવામાં આવેલી આ પ્રતિમાને મોલમાં ફરવા માટે આવતા લોકો પણ ખુબ પસંદ કરી રહ્યા છે અને સાથે સાથે આ પ્રતિમાને જોઈને તેઓ પર્યાવરણ જાળવણીનો પણ એક સંદેશો લઇ રહ્યા છે. અનોખી અને ઇકો ફ્રેન્ડલી રીતે પણ બાપ્પાની પૂજા કરી શકાય છે તેવું આ મૂર્તિને જોઈને ભક્તોને લાગી રહ્યું છે.
માત્ર પાંચ દિવસની મહેનત બાદ આ ગણેશની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. મહિલા તબીબે ઉમેર્યું હતું કે આ કોરોનાકાળમાં ગણેશજી મુક્તિ આપે તેવી પ્રાર્થના તેમની પાસે કરવામાં આવશે. ગણપતિની દસ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ મૂર્તિમાંના દરેક નાળિયેરને પ્રસાદ તરીકે ભક્તોમાં વહેંચવામાં આવશે.