આ પાંચ ધામમાં શનિદેવ રહે છે હાજરાહાજર, દર્શન માત્રથી મનોકામના ફળે

DHARMIK

જીવનમાં ખુશી મેળવવી હોય તો આપણી ઉપર શનિદેવની કૃપા હોવી ખૂબ જરૂરી છે, કારણ કે શનિદેવને બીજા તમામ ગ્રહોમાં સૌથી વધારે પ્રભાવશાળી માનવામાં આવ્યા છે ને તે મનુષ્યોને તેનાં કર્મ અનુસાર ફળ આપે છે. આ સૌથી મોટું કારણ છે કે લોકો શનિદેવની પૂજા ખૂબ જ સાવધાનીપૂર્વક કરે છે અને તેમના પ્રકોપથી બચવા માટે શનિવારે તેમની પૂજા કરે છે.

આપણાં દેશમાં જેમ અનેક મંદિરો છે તેમ દેશના દરેક ખૂણે શનિદેવનું મંદિર પણ અચૂક જોવા મળે છે. આ દરેક મંદિરે લોકો શનિદેવનાં દર્શન કરવા જાય છે, પણ આપણા દેશનાં અમુક શનિનાં મંદિરો ખૂબ જ પ્રચલિત છે તો ચાલો જાણીએ દેશનાં પાંચ શનિદેવના મંદિર વિશે જ્યાં તમે શનિદેવના અનેક ચમત્કારરિક કિસ્સાઓ વિશે જાણી શકો છો.

શનિ શિંગણાપુર (મહારાષ્ટ્ર)

મહારાષ્ટ્રમાં આવેલા આ શનિ મંદિરની ખ્યાતિ આખા મહારાષ્ટ્રની સાથેસાથે દેશનાં બીજાં રાજ્યો અને ગામોમાં પ્રસરેલી છે. એટલું જ નહીં વિદેશમાં પણ આ મંદિર ઘણું જ ખ્યાતનામ છે. ઘણાં લોકો અને ખાસ મહારાષ્ટ્રના લોકો આ મંદિરને શનિદેવનું જન્મસ્થાન માને છે.

શિંગણાપુર મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ પાંચ ફૂટ નવ ઈંચ ઊંચી અને એક ફૂટ છ ઈંચ પહોળી છે. દેશ-વિદેશથી લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે. અહીં ખાસ એવી માન્યતા છે કે તમારી ઉપર શનિની કાળ દૃષ્ટિ હોય તો ચોક્કસ એક વાર અહીં દર્શન કરવા આવવું જોઇએ, દર્શનમાત્રથી તમારા ઉપર રહેલી કાળ દૃષ્ટિનો નાશ થશે અને શનિદેવ કૃપા વરસાવશે.

શનિ મંદિર (ઈન્દૌર)

શનિ દેવનું આ પ્રાચીન અને ચમત્કારિક મંદિર જૂના ઈન્દૌરસ્થિત છે. આ મંદિર માત્ર ભારતનું જ નહીં પણ દુનિયાનું સૌથી પ્રાચીન શનિ મંદિર છે. કહેવાય છે કે આ મંદિરમાં ખુદ શનિદેવની પધરામણી સમયાંતરે થતી રહે છે ને તેઓ પોતાના ભક્તોની પીડા દૂર કરે છે. જે પણ ભક્ત આખા વર્ષ દરમિયાન અહીં પોતાની તકલીફ જણાવી ગયા હોય તે સર્વેની પીડા દૂર થાય છે.

શનિચરા મંદિર (મુરૈના)

મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે એન્તી હામમાં શનિદેવનું મંદિર આવેલું છે. આ ત્રેતાયુગમાં અહીં રહેલી શનિદેવની પ્રતિષ્ઠિત પ્રતિમાનું ઘણું મહત્ત્વ છે. આ મૂર્તિ વિશે એવું માનવામાં આવે છે કે આકાશમાંથી એક ઉલ્કા તૂટીને નીચે પડી હતી તેમાંથી આ મૂર્તિ બની છે.

આ વિશે જ્યોતિષીઓ અને ખગોળવિદ્ માને છે કે શનિ પર્વત પર નિર્જન વનમાં સ્થાપિત હોવાને કારણે આ સ્થાન વિશેષ રૂપે પ્રભાવશાળી છે. એવી માન્યતા છે કે હનુમાનજીએ શનિદેવને રાવણની કેદમાંથી મુક્ત કરાવડાવીને તેમને મુરૈના પર્વતો ઉપર વિશ્રામ લેવા માટે બેસાડયા હતા, તે પછી આ મંદિર બન્યું છે. અહીં મંદિરની બહાર હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત છે.

શનિ મંદિર (પ્રતાપગઢ)

શનિ દેવનું આ મંદિર ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં આવેલું છે. આ મંદિર શનિ ધામના રૂપમાં વિખ્યાત છે. પ્રતાપગઢ જિલ્લાના વિશ્વનાથગંજ બજારથી બે કિલોમીટર દૂર કુશફરાના જંગલમાં આ મંદિર આવેલું છે. ભગવાન શનિનું આ પૌરાણિક મંદિર દેશભરના લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર માટે એવી માન્યતા છે કે આ એવું સ્થાન છે જ્યાં આવીને ભક્ત ભગવાન શનિની કૃપા મેળવવાને પાત્ર બની જાય છે. અહીં દર શનિવારે શનિ ભગવાનને ૫૬ પ્રકારનાં વ્યંજનોનો ભોગ ધરાવવામાં આવે છે.

શનિ તીર્થ ક્ષેત્ર (અસોલા, ફતેહપુર બેરી)

આ મંદિર દિલ્હીના મહરોલીસ્થિત છે. અહીં શનિ દેવની સૌથી મોટી મૂર્તિ વિદ્યમાન છે. આ મૂર્તિ અષ્ટ ધાતુમાંથી બનેલી છે. અહીં આવતા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા આ મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિરે દર વર્ષે લાખો લોકો દર્શન કરવા જાય છે અને પોતાની મનોકામના પૂર્ણ થતાં ફરી શનિદેવના આશીર્વાદ લેવા આવે છે.

શનિને પ્રસન્ન કરવા માટેના ઉપાયો

શનિ દેવને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં ઘણાં ઉપાય દર્શાવવામાં આવ્યા છે. આમ તો જ્યોતિષીઓ દરેક મનુષ્યની કુંડળી જોઇને તેને તપાસીને તેમણે કયા ઉપાય કરવા જોઇએ તે જણાવતા હોય છે, પણ શનિદેવને પ્રસન્ન કરવાના સર્વસામાન્ય ઉપાયોમાં કાળા તલ, તેલ, કાળાં વસ્ત્રો, કાળા અડદ આટલી વસ્તુઓનો ખાસ સમાવેશ થાય છે. આ તમામ વસ્તુ શનિદેવને અત્યંત પ્રિય છે.

આના દ્વારા જ શનિની પૂજા થતી હોય છે. આ સિવાય શનિવારે વ્રત રાખવું અને શનિ સ્ત્રોતનો પાઠ કરવો. તે સિવાય શનિવારની સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને શનિદેવની પ્રતિમાની વિધિપૂર્વક પૂજા કરવી. શનિ મંદિરમાં લીલા લાજવંતીનાં ફૂલ, ફળ, તલ, તેલ અને ગોળ અર્પિત કરવાં. શનિ દેવના નામનો દીવો કરવો. પૂજા પછી તમે કરેલી અત્યાર સુધીની ભૂલ માટે માફી માંગવી અને તેમને પગે લાગવું. શનિદેવની પૂજા બાદ રાહુ અને કેતુની પૂજા કરવી તેમજ પીપળાને જળ ચઢાવી, તેની પ્રદક્ષિણા કરવી. આટલું કરવાથી શનિદેવ અચૂક તમારા પર પ્રસન્ન થશે.

Leave a Reply

Your email address will not be published.