પ્રશ્ન : હું કોલેજના ત્રીજા વર્ષમાં ભણું છે. હું મારી સાથે ભણતા એક સારા ઘરના છોકરા સાથે ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં છું. મારા પ્રેમપ્રકરણની બધાને ખબર છે. મારો બોયફ્રેન્ડ આમ તો સારો છે પણ મને થોડા સમયથી તેનું વર્તન શંકાસ્પદ લાગે છે. લોકડાઉનને કારણે કોલેજ બંધ છે અને હવે વર્ષ પણ પુરું થવાની તૈયારીમાં છે. આ સંજોગોમાં હું જ્યારે મારા બોયફ્રેન્ડમાં પોતપોતાના ઘરમાં અમારા સંબંધોની વાત જાહેર કરવાનું કહું છું તો એ ટાળી દે છે. તેના ઇરાદા તો બરાબર હશે ને?
એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : તમે અને તમારો બોયફ્રેન્ડ હજી અભ્યાસ કરો છો અને કરિયરના મામલે કોઇ દિશા નક્કી નથી થઇ. આ સંજોગોમાં તમારો બોયફ્રેન્ડ પરિવારમાં તમારા સંબંધોની વાત કરવાનું ટાળતો હોય તો તેની સમસ્યા સમજી શકાય એવી છે. સામા પક્ષે તમને તેના આવા વર્તનથી શંકા થાય એ સ્વાભાવિક છે. આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ સમય છે.
તમારે આ સમયે થોડી ધીરજ રાખીને કરિયર પર ધ્યાન આપવાની જરૂર છે. તમે વયમાં હજી નાના છો અને વાસ્તવિક દુનિયા સાથે તમારો હજી સંપર્ક નથી થયો. આ સંજોગોમાં તમારે તમારા સંબંધને હજી થોડો વધારે સમય આપવાની જરૂર છે. જો તમારો પ્રેમ મજબૂત હશે તો ચોક્કસ અંત હકારાત્મક આવશે. જો બોયફ્રેન્ડના ઇરાદા વિશેની તમારી શંકા સાચી હશે તો સમયની સાથે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
પ્રશ્ન : મારા અને મારા પતિના સંબંધો સુમધુર છે. જોકે કોરોનાના કારણે ઉભી થયેલી સ્થિતિની સીધી અસર અમારા સંબંધો પર પડી છે. મારા પતિ કોરોનાના ડરને કારણે મારાથી દૂર દૂર રહે છે. મને લાગે છે કે તેઓ મારાથી દૂર રહેવાનું બહાનું શોધી રહ્યા છે. શું કોરોનાના ડરને કારણે કોઇ વ્યક્તિ જાતીય સંબંધોનો પણ ભોગ આપે ખરી?
એક મહિલા (વડોદરા)
ઉત્તર : કોરોનાનો ડર આખી દુનિયા પર છવાયેલો છે અને એની અસર દરેક વ્યક્તિ પર વધારે કે ઓછા પ્રમાણમાં થઇ છે. જો તમારા પતિને કોરોનાનો બહુ ડર લાગતો હોય તો તે સાવધાનીના પગલાં તરીકે તમારાથી દૂર રહેતા હોય કે પછી જાતીય સંબંધો બાંધવાનું ટાળે એવું બની શકે છે. હકીકતમાં કોરોનાકાળમાં તમે જે વ્યક્તિને કિસ કરવા માગતા હો તે માસ્ક પહેર્યા વિના પાર્ટીઓમાં અને જાહેરમાં જતી હોય તો તે જોખમકારક વ્યક્તિ ગણાય.
તમારે જ એક જવાબદાર વ્યક્તિ તરીકે સામી વ્યક્તિને ઓળખવી પડશે. તબીબીની સલાહ પ્રમાણે કોરોના થવાનું જોખમ જાતીય સંબંધોમાં પણ છે. જોકે, કોરોના વાયરસ પણ કઈ અચાનક નાબૂદ થઈ જશે નહીં. આ કપરા સમયમાં તમારે તમારા જાતીય પાર્ટનરને આ મામલે સધિયારો આપીને તેની લાગણી સમજવાની અને તેની સાથે તમારી લાગણીનું આદાનપ્રદાન કરવાની જરૂર છે.