પ્રશ્ન : નમસ્કાર, હું તમારી કોલમ નિયમિત વાંચું છું. તમારા આપેલા ઉકેલોમાંથી મને મારી મૂંઝવણનો ઉકેલ મળી જાય છે, પણ અત્યારે મારી મૂંઝવણનો ઉકેલ તમારા સિવાય અન્ય કોઇ સારી રીતે નહીં આપી શકે. મારી ઉંમર છવ્વીસ વર્ષની છે અને મારી ભાવિ પત્નીની ઉંમર ચોવીસ વર્ષની છે. અમારાં લગ્નને હજુ છ મહિનાની વાર છે.
મારી પહેલી મૂંઝવણ એ છે કે પહેલાં અમે ગાલે અને હોઠે ચુંબન કરતાં હતાં, પણ છેલ્લા એકાદ મહિનાથી હું સ્તન પર ચુંબન કરુ છું. આનાથી અમને કોઇ પ્રોબ્લેમ નથી થતી, પણ અમે ચિંતિત છીએ કે આમ કરવાથી ભવિષ્યમાં અમારાં બાળકોને કે અમને કોઇ પ્રોબ્લેમ તો નહીં થાય ને? મારી બીજી મૂંઝવણ એ છે કે અમે અત્યાર સુધી સેક્સ નથી માણ્યું અને હું રોજ નિયમિત જીમ કરું છું. તો શું જીમની સાથે સેક્સ માણવાથી મારી બોડી ઉપર કોઇ આડઅસર થઇ શકે? તો કૃપા કરી યોગ્ય સલાહ આપવા વિનંતી.
ઉકેલ : નવપરિણીતો અને જેના ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે તેવાં યુવક-યુવતીઓએ પણ આજના ઇન્ટરનેટના યુગમાં જાતીય જ્ઞાન વૈજ્ઞાનિક સાહિત્યમાંથી કે ક્વોલિફાઇડ સેક્સોલોજીસ્ટ પાસેથી મેળવવું બહુ જરૂરી છે. કેટલીવાર જાતીય અજ્ઞાનને કારણે પતિ-પત્ની એકબીજા સાથે કોઇ ચોક્કસ ર્સ્પશ, ચુંબન કરવા માગતા હોવા છતાં તેમ કરવામાં ગભરાટ, શરમ-સંકોચ અનુભવતાં હોય છે. જેમ કે, ઇન્દ્રિયને સ્પર્શ કરી શકાય, સ્તન પર ચુંબન કરી શકાય અથવા ચુંબન કરવાથી ગર્ભ રહેશે?
વગેરે સાહજિક અને સામાન્ય ગણાતી ક્રિયાઓ પણ અજ્ઞાનને કારણે કરતાં ડરતાં હોય છે અથવા તો તેઓ શરમ અનુભવતાં હોય છે. નવપરિણીતોને મારી સલાહ છે કે તેઓ એકબીજા સાથે પોતાની જાતીય ઇચ્છાઓ, કલ્પનાઓ, ટેવ-કુટેવ વગેરેની મુક્ત મને ચર્ચા કરે. સાથીના કયાં અંગ જોવાથી કે સ્પર્શ કરવાથી કોમોત્તેજના અનુભવાય છે અને કેવી ચેષ્ટા કરે તો ઉત્તેજના અનુભવાય છે તેવી નિખાલસ ચર્ચાની આદત લગ્નજીવનની શરૂઆતથી જ પાડવી જોઈએ, કારણ કે આ સારી આદત છે અને એ ભવિષ્યના જાતીય જીવન માટે પણ ઇચ્છનીય છે.
બાકી, શરીરના કોઇ પણ ભાગ ઉપર સ્પર્શ કરવાથી, ચુંબન કરવાથી આપને, આપના સાથીને કે આવનાર બાળકને આજે કે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં થાય. કોઈ પણ પ્રકારના વ્યાયામ શરીર માટે ખૂબ જ જરૂરી છે. પછી તે બાળક હોય, જુવાન હોય, આધેડ ઉંમરે પહોંચતી વ્યક્તિ હોય અથવા વૃદ્ધ માણસ હોય. વ્યાયામથી શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રહે છે.
યાદ રાખો કે, જે આખા શરીર માટે સારું તે સેક્સ માટે પણ હિતકારી જ છે. જો તમે દરરોજ બે કિલોમીટર ચાલશો તો તમને ભવિષ્યમાં નપુંસકતા આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. હું તો ત્યાં સુધી કહીશ કે જેના પગ ચાલે છે તેની ઈન્દ્રિય પણ ચાલતી રહે છે. એક વાત યાદ રાખજો કે, જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેઓ આળસુ વ્યક્તિ કરતાં વધુ વખત, વધુ સારી રીતે જાતીય જીવન માણી શકતા હોય છે. આ ઉપરાંત તેમના સાથીને પણ મોટે ભાગે પૂરતો જાતીય સંતોષ આપી શકતા હોય છે.