પ્રશ્ન : મારા લગ્ન થયાં ત્યારે મારા પ્રેમીએ મને ધમકી આપી હતી કે એ અમારા વિશેની વાત મારા પતિને કહી દેશે. આથી મેં જ મારા પતિને અમારા સંબંધ વિશે જણાવી દીધું. હવે મારા પતિ વાતવાતમાં મારા પર શંકા કરે છે. હું ક્યાંય કામ અંગે બહાર જાઉં તો પણ એમ જ વિચારે છે કે હું એને મળવા ગઇ હોઇશ. મારે મારા પતિની શંકા કેવી રીતે દૂર કરવી?
એક યુવતી (સુરત)
ઉત્તર : તમે જેનાથી ડરતાં હતાં એ કામ તમે જ કરી નાખ્યું. તમને ડર હતો કે પ્રેમી તમારા જીવનમાં સમસ્યા ઊભી કરશે તેના બદલે તમારા પતિને એ વિશે જણાવીને તમે જાતે જ સમસ્યા ઊભી કરી દીધી. હવે પતિના મનમાં શંકાનો કીડો ઘર કરી ગયો છે.
તમારી પાસે એક જ વિકલ્પ છે. તમે બને ત્યાં સુધી એકલાં ક્યાંય જવાનું ટાળો. પતિની શંકાનું સમાધાન કરવા જશો તો એ વધારે વહેમાશે અને વધારે સમસ્યા ઊભી થશે. શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરો અને કોઇ પ્રકારની ગેરસમજ તેમના મનમાં ઉત્પન્ન ન થવા દો.
પ્રશ્ન : હું એક વાર મારા ઘરમાં એકલી હતી, ત્યારે મારા જેઠે મારી સાથે અજુગતું વર્તન કરવાનો પ્રયત્ન કર્યો હતો. મને ડર લાગે છે કે ફરી ક્યારેક હું ઘરમાં એકલી હોઉં તો મારી સલામતી કેટલી? હું શું કરું?
એક મહિલા (વડોદરા)
ઉત્તર : તમારા જેઠે તમારી સાથે જે ગેરવર્તન કર્યું તેનાથી તમે તમારી જાતને બચાવી લીધી. એ જોતાં ફરી એ આ રીતનું વર્તન કરતાં વિચારશે. આમ છતાં તમે એકલાં હો ત્યારે થોડા સાચવીને રહો. ડરવાની જરૂર નથી,
પણ સાવધ રહેવું સારું કેમ કે તમારી સાથે એક વાર આવું બની ચૂક્યું છે. તમે તમારા પતિને આ અંગે જાણ કરો જેથી ભવિષ્યમાં જો કંઇ બને તો પતિનો સાથ તમને મળી રહે.