પ્રશ્ન : હું 34 વર્ષનો પુરુષ છું. મારા લગ્નને આઠ વર્ષ થઇ ગયા છે અને અમારે હજી પણ કોઇ સંતાન નથી. મારા એક મિત્રએ મને સલાહ આપી છે કે મારે આહારમાં વધારેને વધારે લસણ અને ડુંગળી ખાવા જોઇએ. શું ખરેખર લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે છે? રોજિંદા ખોરાકમાં શું ખાવાથી શુક્રાણુ વધે?
એક પુરુષ (સુરત)
ઉત્તર ઃ બાળક ના હોવા માટે સ્ત્રી અથવા પુરુષ અથવા બંને પણ જવાબદાર હોઇ શકે છે. બાળક થવા માટે માત્ર શુક્રાણુની સંખ્યા જ નહીં પરંતુ તેની હલન-ચલન શક્તિ પણ જોવી જરૂરી છે. અને તેમાં રહેલી કમીનું કારણ જાણવું અગત્યનું છે. ચિત્રકામ કરવા માટે કપડું સાફ હોવું જરૂરી છે, એવી જ રીતે શુક્રાણુ વધારવાની દવા કરાવતા પહેલાં રોગનું મૂળ દુર કરવું આવશ્યક છે.
લસણ અથવા ડુંગળી ખાવાથી શુક્રાણુની સંખ્યા ઉપર કે જાતીય જીવનમાં કોઇ જ ફેર પડતો નથી. પિતા બનવા માગતા પુરુષોએ વિટામીન ‘સી’વાળો ખોરાક, કઠોળ અને ઓછી ફેટવાળું દૂધ આહારમાં લેવું જોઇએ. સાથે સાથે તમાકુ, સિગારેટ, બીડી, શરાબ અને માંસાહાર (ઇંડાસહિત)નો ત્યાગ કરવો જોઇએ. જોકે માત્ર એકલો આહાર ક્યારેય પણ મદદરૂપ થતો નથી. આ માટે સચોટ નિદાન અને યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે.
પ્રશ્ન : હું 65 વર્ષનો પુરુષ છું. છેલ્લાં કેટલાક સમયથી મને બહુ નબળાઇ લાગે છે. પહેલાંની જેમ હવે એકદમ ઝડપથી બધાં કામ થતાં નથી, છતાં મારી ઉંમરના લોકોની સરખામણીમાં હું એક્ટિવ કહી શકતો હતો. રાતે હું ૧૦ વાગ્યે ઊંઘી જાઉ છું અને સવારે ૬ વાગ્યે ઊઠું છું એટલે રાતની ઊંઘ તો પૂરી થાય જ છે, છતાં દિવસે થાક લાગે છે. સવારે મોર્નિંગ વોક પણ માંડ માંડ થાય છે. અચાનક આવું કેમ થતું હશે?
એક પુરુષ (સુરત)
ઉત્તર ઃ જો પહેલાં કરતાં અત્યારે વધુ થાક લાગતો હોય અને રોજિંદા કામો થતાં ન હોય તો ચોક્કસ જાણવાની જરૂર છે કે આવું કેમ થાય છે. સૌથી પહેલાં તો સામાન્ય કારણ એ હોઈ શકે કે ઉંમરને કારણે તમારું પાચન નબળું પડી ગયું હોય અને એને લીધે પોષણની કમી થઈ ગઈ હોય તો થાક આવી શકે. આ સિવાય જો તમે શાકાહારી હો તો વિટામિન D અને વિટામિન B12ની ટેસ્ટ કરાવવી પણ જરૂરી છે,
કારણ કે એની ઊણપ પણ હોઈ શકે છે. એની સાથે-સાથે શુગર, બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ, થાઇરોઇડ જેવી ટેસ્ટ પણ કરાવી લો. આ એ ઉંમર છે જ્યારે લોકોને આ બીમારીઓ શરૂ થાય છે. લક્ષણ ભલે સામાન્ય છે, પરંતુ એની પાછળનું કારણ સામાન્ય હોય એ જરૂરી નથી. એક વખત ફિઝિશિયનને મળો અને તેમની પાસે ક્લિનિકલ ચેક-અપ કરાવો.