પ્રશ્ન : હું 32 વર્ષની મહિલા છું. છેલ્લાં કેટલાક સમયથી મારું વજન સતત વધી રહ્યું છે. હું મારા ભોજનનું બહુ ધ્યાન રાખું છું અને હેલ્ધી ઇટિંગ જ કરવાનું પસંદ કરું છું. જોકે હેલ્ધી ઇટિંગ કર્યા પછી પણ મારું વજન વધતું જ જાય છે. આવું થવા પાછળ શું કારણ હોઇ શકે?
એક મહિલા (વડોદરા)
ઉત્તર ઃ વજન વધવા પાછળ વયમાં થતો વધારો પણ જવાબદાર હોઇ શકે છે. વય વધવાની સાથે લીન બોડી માસમાં ઘટાડો થવાના કારણે મેટાબોલિઝમ રેટ ઘટે છે. આ રેટ ઘટવાને કારણે શરીર પહેલાં કરતા ઓછી કેલરીનો વપરાશ કરે છે.
આ સંજોગોમાં તમે યુવાનીમાં જેટલી કેલરીનું સેવન કરતા હતા એટલી જ કેલરીનું સેવન કરો તો ચોક્કસપણે તમારું વજન વધશે. આ સંજોગોમાં તમારે લીન બોડી માસ જાળવી રાખવા માટે નિયમિત કસરત કરવી પડશે. આ સિવાય જો તમે બહુ સ્ટ્રેસમાં રહેતા હશો તો તમારા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર વધતું જશે જેનો સીધો સંબંધ શરીર પર થતી ચરબીની જમાવટ સાથે છે.
તમારા ગળામાં આવેલી પતંગિયા આકારની થાઇરોઇડ ગ્રંથિ શરીરનાં મેટાબોલિઝમ માટે જવાબદાર છે. જો થાઇરોઇડમાંથી પૂરતા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન ન થતું હોય તો મેટાબોલિઝમનાં સ્તરમાં ઘટાડો થઇ શકે છે. આ સંજોગોમાં થાઇરોઇડ રિપ્લેસમેન્ટ મેડિકેશનથી હાઇપોથાઇરોડિઝમની સ્થિતિ પર અંકુશ મેળવી શકાય છે. જોકે આહારમાં પણ જરૂરી ફેરફાર કરવાથી ફાયદો થઇ શકે છે. આ સિવાય કેટલાક રોગોની સારવાર માટે જે દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે એની આડઅસરને કારણે વજન વધારાની સમસ્યા થઇ શકે છે. તમે આ બધાં પરિબળો ચકાસી જુઓ અને જો જવાબદાર પરિબળ મળી જાય તો તરત સમસ્યાનો ઉકેલ લાવો.
પ્રશ્ન : હું 62 વર્ષની મહિલા છું. મને ગળ્યું બહુ ભાવે છે પણ હાલમાં મને ડાયાબિટીસ થયું હોવાની માહિતી મળી છે. આ સંજોગોમાં મને મારી એક ફ્રેન્ડે આર્ટિફિશિયલ સ્વીટનર વાપરવાની સલાહ આપી છે. શું તેની વાત સાચી છે?
એક મહિલા (અમદાવાદ)
ઉત્તર ઃ જો તમને ડાયાબિટીસ હોય અને આમ છતાં તમને વારંવાર કંઇ ગળ્યું ખાવાની ઇચ્છા થતી હોય તો સૌથી પહેલાં ખાંડ ખાવાનું ઘટાડો. થોડા સમય માટે ખાંડનો ઉપયોગ તદ્દન ઓછો કરી દો. જો સુગર-ફ્રી લેતાં હો તો તે પણ બંધ કરી દો. આમ કરવાથી તમને લાંબા સમયે ફાયદો થશે. તમારા માટે રોજબરોજના ખાદ્યપદાર્થો અથવા ચા-કોફીમાં ખાંડ અને ગોળનો ઉપયોગ ઓછો જ કરી દેવો હિતાવહ છે. જે લોકોને હાઈ કોલેસ્ટેરોલ, હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય અથવા ડાયાબિટીસના પેશન્ટ હોય તો આવા લોકોએ બને ત્યાં સુધી સ્વીટનરનો ઉપયોગ ન કરવો.
એથી ધીમે ધીમે ગળી વસ્તુ ખાવાનો સ્વાદ બદલવાની કોશિશ કરવાથી જ ફાયદો થશે. આના માટે શરૂઆતમાં ખાંડ બંધ કરી સ્વીટનરનો ઉપયોગ શરૂ કરવાથી થોડું વજન ઘટશે અને કોલેસ્ટેરોલ, હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થશે પરંતુ પછી જ્યારે ધીમે ધીમે ગળપણવાળી વસ્તુઓ ખાવાની શરૂ કરવામાં આવે એટલે વજન ફરી વધી જવા સાથે કોલેસ્ટેરોલ, હાઈ બ્લડપ્રેશર પણ પહેલાં જેટલા જ વધી જશે.
આમ, આર્ટિફિશિયલ સ્વીટનરનો વપરાશ કરવા કરતાં રોજબરોજની આદતમાં ફેરફાર કરવાથી ફાયદો થશે. રોજિંદા જરૂરી ગળપણ માટે દિવસ દરમિયાન એક ચમચી ખાંડ લઇ શકાય છે. આ ઉપરાંત, દિવસ દરમિયાન થોડા ડ્રાયફ્રૂટ નાખીને મિલ્કશેક બનાવીને પણ પી શકાય છે. આ રીતે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કર્યા વિના પણ તમે ગળ્યું ખાવાની તમારી આદતમાં પરિવર્તન લાવીને વજનમાં ઘટાડો કરવા સાથે ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, હાઇ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પણ દૂર રહી શકશો તેમ જ રોજિંદી જરૂરી શર્કરા પણ તમને મળી રહેશે.