15 માર્ચથી 14એપ્રિલ સુધી સૂર્યદેવનું મીન રાશિમાં ભ્રમણ, બુધવારથી મીનારક શરૂ

about

હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા પર્વ હોળી-ધુળેટીની ઉજવણી સાથે જ લગ્નમુહૂર્તની શરૂઆત થતાં શહેરમાં ઠેરઠેર શહેનાઇઓ ગુંજી રહી છે. 26 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી હોળાષ્ટકને પગલે લગ્ન સહિતના શુભ કાર્યો પર બ્રેક લાગી હતી. જોકે, હવે ફરી વાર 15 માર્ચના વહેલી સવારથી મીનારક કમુરતાં અને ત્યારપછી ગુરુના અસ્તને કારણે લગ્નસરામાં દોઢ મહિનાનો વિરામ રહેશે. 15 માર્ચથી 14 એપ્રિલ સુધી સૂર્યદેવ મીન રાશિમાં ભ્રમણ કરશે અને પછી 28 એપ્રિલ સુધી ગુરુનો અસ્ત હોય છેક 2 મેથી ફરી વાર લગ્નનાં મુહૂર્ત શરૂ થશે.

પંચાગ પ્રમાણે વર્ષમાં બે કમુરતાં આવે છે. સૂર્યદેવ ધન રાશિમાં ભ્રમણ કરે ત્યારે ધનારક અને મીન રાશિમાં ભ્રમણ કરે ત્યારે મીનારક રહે છે. ધનારક અને મીનારક બન્ને સંયોગની કમુરતાં તરીકે ગણતરી કરવામાં આવતી હોય આ સમયમાં લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. આ સિવાય ગુરુદેવનો અસ્ત અને શુક્રદેવનો અસ્ત હોય ત્યારે પણ લગ્નકાર્યો વર્જિત માનવામાં આવે છે.

આગામી દોઢ મહિનામાં મીનારક કમુરતાં અને ગુરુનો અસ્ત એમ બન્ને સંયોગને કારણે લગ્નકાર્યો પર રોક લાગે છે. જ્યોતિષના જણાવ્યા મુજબ, પંચાગ પ્રમાણે મીનારક કમુરતાં 14 માર્ચે મોડી રાત્રે એટલે કે 15 માર્ચના બુધવારે સવારે 6.35 વાગ્યાથી શરૂ થશે. તે સાથે જ એક મહિનાનાં કમુરતા શરૂ થશે. 14 એપ્રિલના રોજ શુક્રવારે સૂર્યદેવ બપોરે 03.01 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં પ્રવેશ સાથે જ કમુરતાં પૂરા થઇ જશે.

જોકે, આ દરમિયાન જ ગુરુદેવનો અસ્ત રહેશે. શનિવારે 1 એપ્રિલથી 28 એપ્રિલ સુધી ગુરુદેવનો અસ્ત રહેશે. આમ, 15 એપ્રિલથી કમુરતાંથી લઇને 28 એપ્રિલ સુધી ગુરુદેવનો અસ્ત રહે ત્યાં સુધી લગ્નકાર્યો થશે નહીં. જ્યારે તિથિ, નક્ષત્ર અને સંયોગને જોતાં 2 મેના રોજથી ફરીવાર લગ્નમુહૂર્તો શરૂ થશે. વર્ષમાં સામાન્યપણે 6 સંયોગમાં લગ્નકાર્યો વર્જિત માનવામાં આવે છે. તેમાં ચાર મહિનાના ચાતુર્માસ, ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવતા ધનારક કમુરતાં, ગુરુ અને શુક્રનો અસ્ત, તેમજ માર્ચ-એપ્રિલમાં આવતા મીનારક કમુરતાંનો સમાવેશ થાય છે. લગ્નસરાની ધામધૂમ વચ્ચે હવે દોઢ મહિનાનો વિરામ જોવા મળશે.

હવે મે માસમાં 18 અને જૂન માસમાં લગ્નનાં 11 મુહૂર્ત

કોરોના મહામારીના ત્રણ વર્ષ બાદ આ વર્ષે લગ્નસરાનો માહોલ બરાબર જામ્યો છે. શહેરમાં ઠેરઠેર લગ્ન આયોજનો સાથે ઇવેન્ટ-કેટરિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ તેજીનો તરખાટ જોવા મળ્યો છે. એવામાં હવે મીનારક કમુરતાં અને ગુરુના અસ્ત બાદ ફરીવાર લગ્નસરાની ધૂમ જોવા મળશે, કારણ કે, મે માસમાં અધધધ 18 અને જૂન માસમાં 11 લગ્નમુહૂર્ત આવશે. મે માસમાં 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 15, 16, 21, 22, 27, 29, 30 અને 31 તારીખે લગ્નમુહૂર્ત છે. જ્યારે જૂન માસમાં 3, 6, 7, 8, 11, 12, 13, 23, 26, 27 અને 28 તારીખે લગ્નમુહૂર્ત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *