10 વર્ષના ગુજરાતી બાળકે મેળવી અશક્ય સિદ્ધિ, ગિનિસ બુક રેકોર્ડમાં મળ્યું સ્થાન, સૌથી નાની ઉંમરનો બન્યો યોગ ‘ગુરુ’

GUJARAT

ગુજરાતના એક 10 વર્ષીય બાળકે અશક્ય સિદ્ધિ હાંસલ કરી છે. 10 વર્ષના ગુજરાતી છોકરો સૌથી નાની ઉંમરનો ‘યોગ ગુરુ’ બનીને ગિનિસ બુક રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. જેનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગ્યો છે. આ 10 વર્ષીય બાળકનું નામ રેયાંશ સુરાણી છે, જેણે આ સિદ્ધિ હાંસલ કરીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.

રેયાંશ સુરાણીએ 27 જુલાઈ 2021ના રોજ નવ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી નાની ઉંમરના સર્ટિફાઈડ યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે ગિનિસ રેકોર્ડમાં નામ નોંધાવી અશક્ય સિદ્ધિ હાંસલ કરી છે. રેયાંશ સુરાણી હાલ પરિવાર સાથે દુબઈમાં રહે છે. તેણે આનંદ શેખર યોગ સ્કૂલમાંથી સર્ટિફિકેટ મેળવ્યું હતું. તેણે સર્ટિફિકેટ મેળવવા માટે 200 કલાકનો યોગ ટીચર્સ ટ્રેનિંગ કોર્સ પૂર્ણ કર્યો હતો. રેયાંશ સુરાણી હવે ‘યંગ યોગ ગુરુ’ તરીકે જાણીતા થયા છે અને હવે તેઓ મેટાવર્સને યોગ શીખવવા માગે છે.

ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં નામ નોધાવ્યા બાદ રેયાંશે જણાવ્યું હતું કે, તેણે માત્ર 4 વર્ષની ઉંમરમાં પોતાના માતા પિતાની સાથે યોગ પ્રશિક્ષણની શરૂઆત કરી હતી. ગિનીસ વર્લ્ડ ઓફ રેકોર્ડની વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે રેયાંશને ખબર પડી કે તેના માતા પિતા ઋષિકેશમાં એક યોગ શિક્ષણના પ્રશિક્ષણ પાઠ્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે, તો તેણે તે જ સમયે નક્કી કર્યું કે હું પણ એક યોગ ટીચર બનીશ. રેયાંશ સર્ટિફિકેશન એક્ઝામ માટે દુબઈ છોડીને એક મહિનો ઋષિકેશમાં રહ્યો હતો. ઋષિકેશમાં રેયાંશે આનંદ શેખર યોગ સ્કૂલમાંથી સર્ટિફિકેટ મેળવ્યું હતું. તેણે સર્ટિફિકેટ મેળવવા માટે 200 કલાકનો યોગ ટીચર્સ ટ્રેનિંગ કોર્સ પૂર્ણ કર્યો હતો.

યોગ પ્રશિક્ષણ દરમિયાન રેયાંશે યોગની ઘણી વિધાઓમાં પોતાની જાતને પારંગત કરી હતી. રેયાંશ સંરેખણ, શારીરિક દર્શન અને આયુર્વેદના પોષણ સંબંધી પાઠ્યક્રમોમાં પોતાની મજબૂત પકડ બનાવી અને યોગમાં મહારથ હાંસિલ કરી હતી. રેયાંશે વધુમાં જણાવ્યું કે, પ્રશિક્ષણ પહેલા તેઓ વિચારતા હતા કે યોગ માત્ર શારીરિક મુદ્રા અને આસનો વિશે જાણકારી મેળવવી જેટલું સરળ છે, પરંતુ જેમ જેમ તેઓ અંદર ઉતરતા ગયા તેમ તેમ યોગના ઉંડાણ વિશે ખબર પડી હતી.

લગભગ 10 વર્ષના રેયાંશની પાસે ભવિષ્ય માટે હાલ કોઈ મોટી યોજના નથી, પરંતુ તેઓ ભવિષ્યમાં યોગની વર્ચુઅલ ક્લાસિસમાં યોગનું પ્રશિક્ષણ આપવા માંગે છે. કોવિડ પ્રતિબંધોના કારણે રેયાંશ તમામ પ્રાઈવેટ ક્લાસ લે છે અને તેઓ દરેક ક્લાસમાં 10થી 15 બાળકોને ગ્રુપમાં યોગનું શિક્ષણ આપે છે.

મહત્ત્વનું છે કે, ગુજરાતનો 10 વર્ષનો રેયાંશ સુરાણી દુનિયાનો સૌથી નાની ઉંમરનો યોગ ઈન્સ્ટ્રક્ટર બન્યો છે. આ અંગે રેયાંશના માતા આશના સુરાણીએ જણાવ્યું કે, જ્યારે રેયાંશ માત્ર એક વર્ષનો હતો, ત્યારે તેનો યોગ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. તે ચાલવાનું શીખે તે પહેલા જ યોગી બની ગયો. અમારા પરિવારમાં તેના દાદા સહિતના તમામ યોગની પ્રેક્ટિસ કરે છે.

રમવા-કૂદવાની ઉંમરે રેયાંશ સુરાણીએ પ્રશંસનીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓ હાલ 50થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. રેયાંશ તેના પરિવાર સાથે દર વર્ષે વેકેશન દરમિયાન સુરતની મુલાકાતે આવે છે. તેની આ સિદ્ધિથી ગુજરાતનું અને ભારતનું ગૌરવ વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *