બાંગ્લાદેશની યુવતીને એક યુવક કામ આપવાની લાલચ આપીને અમદાવાદ લાવ્યો હતો. બાદમાં આ યુવતીને એક દલાલને વેચી દીધી હતી. દલાલે પણ એક યુવકને આ યુવતી વેચી દીધા બાદ યુવક યુવતીને દેહવ્યાપાર કરાવતો અને સાથે રાખતો હતો. જો કે છ વર્ષ સુધી યુવતી દેહવ્યાપાર કર્યો અને બાદમાં યુવક સાથે લગ્ન કરવાની વાત કરી તો યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
જેથી યુવતીએ મદદ માટે અભયમની ટીમને ફોન કર્યો હતો. અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચીને યુવતી અને યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતીને દેહવ્યાપારની સમસ્યામાંથી સંપૂર્ણ રીતે બહાર કાઢવા માટે લાંબાગાળાના કાઉન્સેલિંગની જરૂર હોવાથી અભયમની ટીમે તેને મહિલા સહાયતા કેન્દ્ર સાથે તથા વિહાન પ્રોજેક્ટ સાથે સંપર્ક કરાવી મામલો થાળે પાડયો.
શહેરના એક વિસ્તારમાંથી અભયમની ટીમને એક યુવતીએ ફોન કરીને જણાવ્યું હતું કે, મારા પતિ કેટલાક દિવસોથી મને મૂકીને પોતે ફેક્ટરીમાં રહે છે જેથી મદદ માટે આવો. આ સાંભળીને અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી પૂછપરછ કરી ત્યારે યુવતીએ તેનું નામ રેહાના (નામ બદલેલ છે) અને તે મૂળ બાંગ્લાદેશની છે. તે પરિણીત હતી પરંતુ પતિના ત્રાસથી કંટાળી બાળકોને લઈને પિયર જતી રહી હતી. જો કે તેમના ગામમાં રહેતા એક ભાઈ તેને કામકાજ માટે બાંગ્લાદેશથી અમદાવાદ લઈ આવ્યા હતા.
અમદાવાદ આવ્યા બાદ એક દલાલને દેહવ્યાપાર કરાવવા વેચી દીધી હતી. દલાલે રેહાનાને મહેબૂબ (નામ બદલેલ છે)નામના યુવકને વેચી દીધી હતી. બાદમાં આ મહેબૂબ રેહાના પાસે દેહવ્યાપાર કરવવા લાગ્યો હતો. મહેબૂબ મૂળ કોલકાતાનો હતો અને હાલ અમદાવાદમાં મજૂરી કામ કરતો હતો અને રેહાનાને તેની પાસે રાખતો હતો. મહેબૂબે છ વર્ષ સુધી રેહાના સાથે દેહવ્યાપાર કરાવ્યો હતો.
રેહાનાએ દેહવ્યાપાર કરવાની ના પાડી મહેબૂબ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જો કે મહેબૂબે લગ્ન કરવાની ના પાડી દીધી હોવાથી બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને મહેબૂબ રેહાનાને મૂકીને ફેક્ટરીમાં રહેવા લાગ્યો હતો. જેથી અભયમની ટીમે મહેબૂબને બોલાવી તેનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું હતું કે, દેહ-વ્યાપાર કરાવવો એક ગુનો છે તો બીજી બાજુ રેહાનાને પણ એચઆઈવી એઇડ્સ વિશેની માહિતી આપી હતી. જો કે મહેબૂબ રેહાના સાથે નિકાહ કરવા તૈયાર ન હોવાથી મહેબૂબનું કાઉન્સેલિંગ કરાતા મહેબૂબ રેહાના સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો.