વેપારીએ 17 ઘીના ઘડા આપી શિલ્પકાર પાસેથી માતાજીની બે મૂર્તિ ખરીદી હતી…

GUJARAT

શહેરના માધુપુરા વિસ્તારમાં 225 વર્ષ જૂનું અંબાજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરની મૂર્તિ કપડવંજના એક ઘીના વેપારી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. દર નવરાત્રિમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટે છે. ભક્તોના દર્શન માટે નવરાત્રિમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને કારણે મંદિર પરિસરને ઘંટ દ્વારા શણગારાયું છે. નવલી નવરાત્રિના સમયે મંદિર પરિસર જય અંબેના નાદથી ગૂંજી ઉઠયું છે.

આ મંદિરના ઇતિહાસ એવો છેકે, આશરે 225 વર્ષ પહેલાં કપડવંજના નરભેરામ પ્રભુરામ ભટ્ટ ઘીના મોટા વેપારી હતા તેમજ ગામમાં અગ્રણી વ્યક્તિ માનવામાં આવતા હતા. તે સમયે એક શિલ્પકાર કપડવંજમાં અંબાજી માતાની બે મૂર્તિઓ વેચવા માટે આવ્યો હતો.

ગામવાસીઓએ નરભેરામની મજાક ઉડાવવા માટે શિલ્પકારને કહ્યું હતું કે, તમારી મૂર્તિ નરભેરામ સિવાય કોઇ ખરીદી શકશે નહીં. જેથી શિલ્પકાર નરભેરામ પાસે ગયો હતો અને વ્યાજબી ભાવે મૂર્તિ ખરીદવા માટે આગ્રહ કર્યો હતો. જોકે નરભેરામે આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાથી યોગ્ય પૈસા આપી શકે તેમ ન હતા. પરંતુ બે મૂર્તિઓના બદલામાં 17 ઘડા ઘીના આપી શકું છું તેમ કહ્યું હતું. શિલ્પકારે એ વાતને સ્વીકારીને 17 ઘીના ઘડાના બદલે મૂર્તિઓ આપી દીધી હતી.

નરભેરામ ભટ્ટે બે મૂર્તિઓ લઈ ઘર સહિતનો તમામ માલસામાન વેચીને અમદાવાદ માટે નીકળ્યા હતા. રસ્તામાં ઉત્કંઠેશ્વર-દેહગામ રોડ પરના ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના પૂજારીને અંબાજીની એક મૂર્તિ આપી દીધી હતી. તે મૂર્તિની ભગવાન મહાદેવના મંદિરની સામે સ્થાપના કરાઇ હતી. તે મૂર્તિની આજના સમયે પણ પૂજા કરવામાં આવી રહી છે.

નરભેરામ અમદાવાદ આવી તેઓએ દિલ્હી દરવાજા હઠીસિંગનું મંદિર બનતું હતું ત્યાં પહોંચ્યા હતા. અને મંદિરના ટ્રસ્ટીઓને મળીને અંબાજી માતાની મૂર્તિની સ્થાપના, મંદિર નિર્માણ માટે જમીનનો ટૂકડો ફળવવા વિનંતી કરી હતી. પણ તે સમયે ટ્રસ્ટીઓએ શરત મૂકી હતી કે મંદિર ઉપર અમારો સંપૂર્ણ અધિકાર રહેશે. જેથી નરભેરામે તે વાતનો અસ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું, બધી વસ્તુઓ વેચીને મૂર્તિ મેળવી છે.

ટ્રસ્ટીઓની વાતને નકારી તેઓ માધુપુરા ગામ ખાતે ગયા હતા. માધુપુરા ગામ પહોંચીને મંદિર બનાવવાની વાત કરી હતી. ગામના અગ્રણી નરભેરામની મંદિર બનાવવાની વાત તેમજ વિનંતીથી ખૂબ પ્રસન્ન થયા હતા.

અંબાજી માતાનું મંદિરનું નિર્માણ કરવા માટે જમીન ફાળવી દીધી હતી. જે બાદ માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના વિકાસ અને નિર્માણકાર્યની કામગીરી અંબાલાલ બાપુજી ભટ્ટે શરૂ કરી હતી. પરંતુ મંદિરના નિર્માણ પૂર્ણ થાય તે પહેલાં તેમનું અવસાન થયું હતું. બાકીનું વધેલું કાર્ય પૂર્ણ કરી શક્તિપીઠની સ્થાપના પુષ્પરાય અંબાલાલ ભટ્ટની દેખરેખ હેઠળ કરાઇ હતી.

મંદિરના પૂજારી કિંજલભાઇ ભટ્ટ જણાવે છેકે, પેઢીઓથી અમારો પરિવાર માતાજીની પૂજા કરી રહ્યો છે. આસપાસના વેપારીઓનો પણ ખાસ્સો સહકાર મળતો રહે છે. નવરાત્રિના નવેય દિવસ માતાજીને રોજ નવા શણગાર કરવામાં આવે છે. વર્ષમાં આવતી બે નવરાત્રિના છઠા નોરતે મહિષાસૂર ર્મિદની સ્વરૂપના દર્શન કરાવાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *