વલસાડઃ આજે યુવતીના લગ્ન હતા, દીકરીને કન્યાદાન આપવાને બદલે પિતાને અગ્નિદાહ આપવાની નોબત.

Uncategorized

વલસાડ જિલ્લાના મોટા પોઢા ગામે લગ્નનો ઉત્સાહ શોકમાં પલટાઈ ગયો હતો. પીઠીના દિવસે જ યુવતીએ હોસ્પિટલના બિછાને કોરોનાની સારવારમાં દમ તોડતાં પરિવારો શોકમાં ગરકાવ થઈ ગયા છે. આજે યુવતીનાં લગ્ન હતા. પણ કોરોનાને કારણે હવે અગ્નિના સાત ફેરા ફરવાને બદલે સ્મશાનમાં યુવતીને અગ્નિદાહ આપવાની ફરજ પડી છે.

વલસાડના કપરાડા તાલુકાના મોટા પોઢા ગામે આવેલ ઓમ કચ્છ ફળીયામાં રહેતાં પટેલ પરિવારની દીકરી મનિષા વાપીની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. જેના લગ્ન તારીખ 24-4-21ના રોજ સેલવાસના રખોલી ગામે નક્કી કરવામાં આવ્યા હતા. કંકોત્રીઓની વહેંચણીઓ થઈ ચૂકી હતી. અને પરિવાર ખૂબ હર્ષિત હતો. પરંતુ અચાનક જ મનિષાને તાવ આવતાં તેની તબિયત લથડી અને તપાસ કરાવતા કોરોના હોવાનું સામે આવ્યું હતું.

જે બાદ તેને સારવાર માટે સેલવાસ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. કારણ કે વાપી વલસાડમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેના બેડ ખાલી ન હતા. પરિવાર ખૂબ ચિંતામાં મુકાઈ ગયો હતો. એકતરફ લગ્નની તારીખ નજીક આવી રહી હતી. અને મનિષાની તબિયત વધુ બગડી જતાં તેને વેન્ટિલેટર પર સારવાર અર્થે મુકવામાં આવી હતી.

પણ કુદરતને કાંઈક બીજું જ મંજર હતું. પીઠીના દિવસે જ મનીષાએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા. જે પિતા પોતાની દીકરીને સાસરે વળાવવાના સ્વપ્ન જોતા હતા એ જ પિતાએ દીકરીને અંતિમ વિદાય આપવાની નોબત આવતા બન્ને પરિવારો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સાથે ગ્રામજનો પણ લગ્નનો માહોલ શોકમાં પલટાઈ જતાં શોકની લાગણી પ્રવર્તી હતી. પરિવારજનો આજે પણ પોતાની વહાલસોયી દીકરી ગુમાવ્યાની ખોટ વિસરી શકતા નથી. કોરોના જેવા દાનવે પિતાના સ્વપ્ન તોડ્યા સાથે દીકરીનો પણ ભોગ લીધો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગામમાં પડ્યા છે. ત્યારે કોરોના જેવા રાક્ષસ સામે બચવા માટે બને એટલી કાળજી રાખવી જરૂરી છે. પોતાના સ્વાસ્થ્યની દરકાર દરેક વ્યક્તિએ પોતે જ રાખવાની રેહશે.

Leave a Reply

Your email address will not be published.