વજાઇનાની જુદી જુદી સમસ્યાઓથી બચવા શું કરવું?

GUJARAT

આપણે ગયા અઠવાડિયે વજાઈના અને આસપાસ બળતરા થવાનાં કારણો સમજી લીધાં. એ કારણોને દૂર રાખીએ તો બળતરા ન થાય, પરંતુ આજના જમાનામાં કશું સો ટકા જળવાતું નથી. એટલે કદાચ બળતરા થતી હોય તો આ નુસખા અજમાવો

વધારે પ્રમાણમાં પાણી પીઓ: જો તમને વજાઈનામાં ખંજવાળ આવતી હોય અને બળતરા થતી હોય તથા શ્વેત રંગનું પ્રવાહી પણ દેખાતું હોય તો માની લો કે તમે પાણી ઓછું પી રહ્યાં છો. તો રોજના ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવા માંડો. પાણી પીવાનો અર્થ એવો નથી કે યાદ આવે ત્યારે બે ગ્લાસ પાણી પી જાઓ. એમ કરવાથી તમારા પાચનમાં ગરબડ થઈ શકે છે. એટલે પાણી થોડું થોડું કરીને પીતા રહો.

લીમડાના પાણીથી વજાઈનાની સફાઈ: આપણે અગાઉ જોયું કે વજાઈનાની સફાઈ માત્ર સામાન્ય (શરીરનું હોય એટલું) તાપમાન ધરાવતા પાણીથી જ કરવું, પરંતુ જો વજાઈનામાં તથા આસપાસ ખંજવાળ આવતી હોય અને બળતરા થતી હોય તો લીમડાનું પાણી વાપરવું હિતાવહ છે. લીમડાનાં પાન તોડો. તેને ચાર-પાંચ વખત પાણીથી ધોઈને બરાબર સ્વચ્છ કરી લો. પછી એ પાન એક તપેલી પાણીમાં નાંખી ઉકાળી લો. પછી તેને ગાળી લો અને ગાળી લીધેલા પાણીને અડધી ડોલ સાદા પાણીમાં ભેળવી દો. હવે એ હૂંફળા લીમડાના પાણીથી તમારી વજાઈના સાફ કરો. યાદ રહે, માત્ર લીમડાના પાણીથી જ વજાઈના સાફ કરવાની છે. પછી તેને સાદા પાણીથી ધોઈ લેવાની છે અને સુકાવા દેવાની છે, કપડાથી કોરી કરવાની નથી.

રોજ એક વાટકી દહીં: વજાઈના તથા આસપાસના ભાગમાં ખંજવાળ આવતી હોય તો રોજ ઓછામાં ઓછી એક વાટકી ભરીને તાજું દહીં ખાવાની શરૃઆત કરી દો. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. એ આરોગ્ય માટે લાભકારક છે. તેનાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે, પાચન સુધરે છે. દહીં તાજું જ ખાવું. તેથી તમારી વજાઈનાનું પીએચ લેવલ સુધરે છે. જે બળતરા કરાવનાર અને ખંજવાળ લાવનાર ફંગસ જેવી વસ્તુઓનો નાશ કરવામાં શરીરને મદદ કરે છે.

રોજ નારિયેળ પાણી પીવું: એક નારિયેળનું પાણી નિયમિત પીવાથી વજાઈનામાં બળતરા કે ખંજવાળ થતાં જ નથી. નારિયેળના પાણીમાં વિશેષ ખૂબી છે કે તે પીવાથી મૂત્રમાર્ગમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. આ બેક્ટેરિયાના કારણે વજાઈનામાં ફૂગ થઈ શકે અને ખંજવાળ તથા બળતરા થઈ શકે. નારિયેળ પાણી પીવાથી મૂત્રમાર્ગમાં બેક્ટેરિયા ન રહે તો વજાઈનામાં પણ કોઈ ફૂગ થઈ શકતી નથી. એટલે બળતરા કે ખંજવાળની સમસ્યા થતી જ નથી. નારિયેળ પાણી પીવાથી આખા શરીરની ત્વચાની સાથે વજાઈનાની ત્વચા પણ નિરોગી બની જાય છે.

તડબૂચનો જ્યૂસ પણ ફાયદો કરે: જો સિઝન હોય તો તડબૂચનો જ્યૂસ રોજેરોજ એક ગ્લાસ પીવાનું ચાલુ કરી દો. તડબૂચના જ્યૂસમાં સાઈટ્રોલાઈન કમ્પાઉન્ડ હોય છે. એ ત્વચામાં રહેલી રક્ત-નલિકાઓને ખોલીને સક્રિય બનાવે છે. વધુ પ્રમાણમાં લોહીનો પુરવઠો મળતો રહેવાથી ચામડી સ્વસ્થ બની જાય છે. ત્વચા પોતે જ પોતાની ઉપર જામેલા બેક્ટેરિયા, ફૂગ વગેરેનો નાશ કરવા સક્ષમ બની જાય છે. તડબૂચનો જ્યૂસ વજાઈનામાં કુદરતી સ્ત્રાવ પણ નિયમિત બનાવે છે. આ સ્ત્રાવ બેક્ટેરિયા અને ફૂગનો નાશ કરવા સક્ષમ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *