વડોદરાવાસીઓ સાવધાન: કેન્દ્રની ટીમને ગુજરાતમાં દોડવું પડ્યું, જાણો કયા એરિયામાં ડેગ્ન્યુ-ચિકનગુનિયા બેકાબુ

GUJARAT

વડોદરા શહેરમાં મચ્છર અને પાણી જન્ય રોગચાળો બેકાબુ થતાં કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો કાબુમાં લેવા માટે 263 ટીમને મેદાનમાં ઉતારી છે. 263 ટીમ દ્વારા આજે 331 વિસ્તારોની વિઝીટ કરી હતી. કોર્પોરેશનના તંત્રનો દાવો છે કે, 263 ટીમોએ 42,710 ઘરની તપાસ કરી અને 8,180 મકાનોમાં ફોગીંગ કર્યું હતું.

આ ઉપરાંત 97,459 પાત્રોની ટ્રિટમેન્ટ કરાવી, 8 કંટ્રક્શન સાઇટ પૈકી ૨ને નોટિસ આપી છે. 3 હોસ્ટેલ અને સ્કુલોની તપાસ ઉપરાંત કોર્પોરેશને અત્યારસુધી 494 કંટ્રક્શન સાઇટ્સને નોટિસ આપી છે. કોર્પોરેશનનું તંત્ર કામગીરીના આંકડા જાહેર કરી પીઠ થાબળી રહયું છે. પરંતુ હજુ પણ શહેરમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ડેગ્ન્યુના 77 સેમ્પલો પૈકી 16 પોઝિટિવ અને ચિકનગુનિયાનાં 30 સેમ્પલ પૈકી 13પોઝિટિવ આવ્યાં હતાં.

શહેરના અક્ષરચોક વિસ્તારના સિગ્નેટ હબ બિલ્ડિંગની પાછળના ભાગમાં આવેલા અવાવરૂ મકાનની છત પર છેલ્લાં કેટલાંય દિવસોથી ગંદુ વરસાદી પાણી ભરાયેલું છે. પાલિકાના પાપે આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી દહેશત છે. કોર્પોરેશનની ટીમ 494 કંટ્રક્શન સાઇટ્સને નોટિસ આપવાનો દાવો કરે છે, તો સિગ્નેટ હબ પાછળના મકાનની છત પર ભરાયેલું પાણી અને ગંદકી કેમ રડારમાં આવી નહીં ?

શહેરમાં આ પ્રકારની હજુ કેટલીક બિલ્ડિંગ અને મકાનોની છત સહિતની જગ્યાઓએ વરસાદી પાણી ભરાયેલાં હોવાથી ડેગ્ન્યુ અને ચિકનગુનિયા બેકાબુ છે. કોર્પોરેશનના તંત્રએ શહેરનો ખૂણે-ખૂણો તપાસ કરવાને બદલે કાગળ પર કામગીરી બતાવે છે. નાગરિકના સ્વાસ્થય સાથે ચેડા કરતાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કોર્પોરેશનની ચૂંટાયેલી અને વહીવટી પાંખે લાલ આંખ કરવી જરૂરી બને છે.

ડેગ્ન્યુ અને ચિકનગુનિયા ક્યા વિસ્તારમાં ફેલાયેલા છે?

કિશનવાડી, પાણીગેટ, નવાપુરા, નવીધરતી, ફતેપુરા, સમા, અટલાદરા, ગોકુલનગર, જેતલપુર, દિવાળીપુરા, કપુરાઇ, બાપોદ, છાણી, નવાયાર્ડ, શિયાબાગ, અકોટા, તરસાલી, દંતેશ્વર અને માંજલપુર વિસ્તારમાં ડેગ્ન્યુ અને ચિકનગુનિયાનો રોગચાળો ફેલાયેલો છે.

કેન્દ્રની ટીમ આવ્યા બાદ રવિવારે કામગીરી શરૂ કરાઈ

કેન્દ્રની ટીમની મુલાકાત બાદ રવિવારે પાલિકીની ટીમ દ્વારા કરવામાં આવેલી દૈનિક કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની વિવિધ ટીમે રવિવારે 11,203 ઘર અને 41,105 વસ્તીનો સર્વે કર્યો હતો. આ સર્વે દરમિયાન ઝાડાના 7 અને તાવના 43 દર્દીઓ મળ્યાં હતાં. 140 નાગરિકોના બ્લડ સેમ્પલ લેવાયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *