વડોદરામાં ગરબા રમીને ઘરે આવ્યાં બાદ માતા-પુત્રીનું રહસ્યમય મોત

GUJARAT

નવરાત્રિ ટાણે વડોદરામાંથી માતા-પુત્રીના શંકાસ્પદ મોતને લઈને સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા માતા-પુત્રીના શંકાસ્પદ મોતના અહેવાલથી અરેરાટી વ્યાપી ગઈ છે. 36 વર્ષની માતા અને 8 વર્ષની પુત્રી રાત્રે 12 વાગ્યે ગરબા રમીને ઘરે આવ્યાં બાદ બંનેનાં મોત થયા હોવાની માહિતી છે. મહિલાના ગળાના ભાગે વાગવાનું નિશાન મળ્યું હતું. પોલીસે આ ઘટનામાં માતા-પુત્રીની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે બીજી બાજુ પતિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરામાં ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 8 વર્ષની પુત્રી કાવ્યા તેજસભાઈ પટેલ ગત મોડીસાંજે ગરબા રમીને પોતાના ઘરે પાછા ફર્યા હતા. અડધી રાત્રે બન્નેની તબિયત લથડતા પતિ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ બન્ને માતા-પુત્રીને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની માહિતી મળતા સમા પોલીસ સ્ટેશનેથી કાફલો ઘટના સ્થળે આવ્યો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે બન્ને મૃતદેહોની તપાસ કરતા મહિલાના ગળામાં વાગવાનું નિશાન મળ્યું હતું. ત્યારબાદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

સમા વિસ્તારમાં માતા પુત્રીના મોતના મુદ્દે SP ભરત રાઠોડે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, માતાપુત્રીના મૃતદેહ પોસ્ટમોર્ટમ ખાતે મોકલાયા છે. પોસ્ટ મોર્ટમ બાદ જ આગળની તપાસ આગળ વધશે. શોભના પટેલના પતિ તેજસ પટેલની પણ પુછપરછ કરી રહ્યા છીએ.

અત્રે નોંધનીય છે કે, સમા વિસ્તારમાં મોતને ભેટેલા મહિલાના ગળાના ભાગે ઇજાનાં નિશાન છે. પોલીસ માની રહી છે કે છોકરીને પ્રવાહી પીવડાવવામાં આવ્યું હોઈ શકે છે. રાત્રે કંઇક અજુગતું બન્યું હોવાની પોલીસને આશંકા છે, જેને પગલે પોલીસે પતિની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *