મહારાષ્ટ્ર બાદ ગુજરાતના વડોદરામાં ગણેશ ઉત્સવ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે ગણેશ ભક્તોને ધામધૂમથી ઉત્સવ ઉજવવાની મંજૂરી આપી છે, જેને લઈ ગણેશ ભક્તોનો ઉત્સાહ પણ વધ્યો છે. બીજી તરફ ગણેશ મૂર્તિકાર પણ અવનવી થીમ આધારિત ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યા છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા દક્ષેશ જાંગીડે અલગ-અલગ થીમ પર ગણેશજીની મૂર્તિ બનાવી છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
શિક્ષિત મૂર્તિકાર દક્ષેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેતા સોનું સુદ સાથે ગણેશજીની મૂર્તિ બનાવી છે. જેમાં તેમણે PM મોદી અને અભિનેતા સોનું સુદને વેક્સિન અને ઓક્સિજનના સિલિન્ડર સાથે દર્શાવ્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણ સમયે તેમની કામગીરીને મૂર્તિના સ્વરૂપે બિરદાવી છે. આવી જ રીતે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નિરજ ચોપડા સાથે પણ ગણેશજીની મૂર્તિ બનાવી છે.
આ સિવાય કોરોનામાં ઘરે ક્વોરન્ટાઈન થયેલા ગણેશજી બારીમાંથી બહારનો નજરો જોતા હોય તેવી ગણેશજીની મૂર્તિ પણ બનાવી છે, તો સોખડા મંદિરના હરી પ્રસાદ સ્વામીજી સાથે પણ ગણેશજીની મૂર્તિ બનાવી છે.. આ સાથે જ ગણપતિજી ખેડૂત બની હળ ચલાવતા હોય તેવી મૂર્તિ પણ બનાવી છે, જે ખેડૂતોનું સન્માન વધારે છે. આ ઉપરાંત ગણેશજી કોરોના વેક્સિન લઈને આવ્યા હોય તેવી મૂર્તિ પણ બનાવી છે.
ગણેશ ઉત્સવને લઈ ઘરે તેમજ પંડાલમાં મૂર્તિની સ્થાપના કરનારા ગણેશ ભક્તો મૂર્તિ લેવા આવી રહ્યા છે. સરકારે ગણેશ ઉત્સવમાં છૂટછાટની જાહેરાત કરતા ભક્તો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.