‘તું મારી સાથે વાત કર, નહીં તો ઘરે કહી દઈશ’ કહી MBBS યુવતીને ડરાવતો, જીમ ટ્રેનરનો કડવો અનુભવ

GUJARAT

રાજ્યમાં મહિલાઓ સાથે છેડતીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં MBBSની વિદ્યાર્થિનીને વડોદરાનો જીમ ટ્રેનર પજવતો હોવાની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઈ છે. વાઘોડિયા નજીક આવેલી સુમનદિપ વિદ્યાલયના એમબીબીએસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની જીમ ટ્રેનર દ્વારા પજવણી થતી હોવાનું સામે આવ્યું છે. જીમમાં ફિટનેશ માટે જતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનેલી યુવતી દ્વારા વાઘોડીયા પોલીસમાં ફરિયાદ થતાં જીમ ટ્રેનરની ધરપકડ થઈ છે.

આજકાલ યુવાધન પોતાના ફિટનેશને લઇ જાગૃત બન્યું છે. ત્યારે જીમમાં જતી યુવતીઓના મોબાઇલ નંબરના આધારે કેટલાક જીમ ટ્રેનરો દ્વારા યુવતીઓના મોબાઇલ નંબરોનો ગેરલાભ ઉઠાવી પરેશાન કરાતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

વાઘોડિયાના સુમનદિપ વિદ્યાપીઠના એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને વડોદરા શહેરમાં આવેલ વૃંદાવન ચાર રસ્તા પાસેની હાંડે જીમના ટ્રેનરનો કડવો અનુભવ થયો છે. સુમનદિપ વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલમાંથી એક વિદ્યાર્થિની આજથી દોઢેક વર્ષ પહેલાં હાંડે જીમમાં ફિટનેશ માટે એકલી જતી હતી. તે વખતે વિદ્યાર્થિનીએ જીમમાં આવવાનો સમય જાણવા માટે ટ્રેનર બબલું અજીતસિંગ લાંબા (રહે. કલ્પના સોસાયટી, ઉમા ચાર રસ્તા, વડોદરા)નો મોબાઇલ નંબર માંગ્યો હતો. ત્યારબાદ ત્રણેક મહિના પછી વિદ્યાર્થિનીને જીમ જવાનું બંધ કર્યું હતું, તેમ છતાં બબલું વારંવાર ફોન કરી વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો. વિદ્યાર્થિનીને ફોન કરવાની ના પાડવા છતાં પણ બબલું વારંવાર ફોન કરતો હતો.

આખરે કંટાળીને વિદ્યાર્થિનીએ બબલું નો મોબાઇલ નંબર બ્લેક લિસ્ટમાં નાંખી દીધો હતો અને છેલ્લાં એક મહિના પહેલા બબલુંએ અજાણ્યા નંબર પરથી ફોન કરી સુમનદિપ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી વિદ્યાર્થિનીને મળવા બોલાવી હતી. ત્યાં વિદ્યાર્થિનીને બબલું બ્લેકમેલ કરવા માંગતો હતો. જેથી વિદ્યાર્થિનીએ સ્પષ્ટ શબ્દોમાં પ્રતિકાર કરી ફોન ન કરવા ચેતવણી આપી હતી. છતાં બબલું વિદ્યાર્થિનીનો અવાર નવાર પીછો કરી દોઢ વર્ષથી પરેશાન કરતો હતો.

18 સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બબલું વિદ્યાર્થિનીની સુમનદિપ ગર્લ્સ હોસ્ટેલ પહોંચી કહેવા લાગ્યો કે ‘તું મારી સાથે વાત કર, નહીં તો તારા ઘરે કહી દઇશ,’ તેમ કહી ડરાવતો હતો અને બબલુંથી પીછો છોડાવવા કંટાળેલી વિદ્યાર્થિનીએ પોતાના પરિવારને ફોનથી સમગ્ર ઘટના જણાવતા આજે સોમવારે પરિવાર વાઘોડિયા પોલીસ મથકે વિદ્યાર્થિની સાથે આવ્યો હતો.

વાઘોડિયા પોલીસની મહિલા સી ટીમનો સંપર્ક કરતાં સમગ્ર હકીકત જણાવતા પોલીસે બબલું વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી બબલુની ધરપકડ કરી કોરોના ચેકઅપ માટેની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *