‘તું મારી નહીં તો..!’- પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ ગામના તળાવમાં ઝંપલાવ્યું

GUJARAT

વલસાડમાં સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવાયા બાદ યુવક-યુવતીની મુલાકાત પ્રેમ સબંધમાં ફેરાવાઈ ગઈ હતી. જો કે એક વર્ષમાં જ આ મુલાકાતનો કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્રેમીએ પણ ગામના તળાવમાં કૂદીને મોતને વ્હાલુ કર્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવકે લગ્ન કરવાનું વચન આપીને યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જો કે બાદમાં બન્ને વચ્ચેના સબંધો વણસવા લાગ્યા હતા. રવિવારે બન્ને વચ્ચે ફોન પર બોલાચાલી થયા બાદ યુવક યુવતીના ઘરે પહોંચ્યો હતો. આ સમયે યુવતી ઘરે એકલી હતી, ત્યારે બન્ને વચ્ચે ઉગ્ર તકરાર થતાં ઉશ્કેરાયેલો પ્રેમી પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.

થોડા સમય બાદ યુવતીના કાકીએ તપાસતાં યુવતી બેડરૂમમાં મૃત મળી આવી હતી. આથી તેમણે યુવતીના પરિવારજનો અને ગ્રામજનોને જાણ કરી હતી. યુવતીની હત્યા તેના જ પ્રેમીએ કરી હોવાની આશંકા સાથે પરિવારજનોએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે યુવકના ઘરે તપાસ કરતાં તે ઘરે મળી આવ્યો નહતો. ગામમાં તપાસ કરતાં યુવકનું બાઈક અને મોબાઈલ તળાવના કિનારે મળ્યા હતા. આથી પોલીસની ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાં શોધખોળ કરતાં યુવકની લાશ મળી આવી હતી.

પોલીસે યુવકની લાશનો કબજો મેળવી તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. હાલ યુવતીના પિતાએ પ્રેમી યુવક સ્મિત વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત FIR નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.