તો ભારતમાંથી માત્ર 21 જ દિવસમાં કોરોના વાયરસને વશમાં કરી શકાય : ડૉ રણદીપ ગુલેરિયા

Uncategorized

ભારતમાં કોરોના મહામારીએ માઝા મુકી છે. ઓક્સીન, હોસ્પિટલમાં બેડ સહિતની સુવિધાઓના અભાવે લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. બીજી બાજુ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખથી પણ વધારે કેસ નોંધાતા ચિંતા વધી છે. કોરોનાનો આ પ્રકોપ ક્યારે ધીમો પડશે તેના પર સૌકોઈની નજર છે ત્યાર AIIMSના ડાયરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ કેટલાક મહત્વના સુચન કર્યા છે.

ગુલેરિયાએ કહ્યું હતું કે, હાલ સ્થિતિ ગંભીર છે. જે આગામી ત્રણ અઠવાડિયા સુધી રહેશે. સુધારો થશે કે સ્થિતિ વધુ બગડશે તેનો આધાર દેશના લોકોના વ્યવહાર પર નિર્ભર કરે છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે તો ત્રણ જ અઠવાડિયામાં સંક્રમણનો પ્રકોપ ઓછો થઈ જશે.

કોરોનાના સંક્રમણની બીજી લહેર પશ્ચિમથી મધ્ય ભારત પહોંચી હોવાનું જણાવતા તેમણે કહ્યું હ્તું કે, આ લહેરે ઉત્તર ભારતને લપેટમાં લીધું હતું. હવે પૂર્વોત્તર રાજ્યોમાં સંક્રમણની ગતિ વધવાની આશંકા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની લહેરનો પિક આવી ચૂક્યો છે. જે દિલ્હીમાં હવે આવશે. થોડા દિવસમાં દેશના બીજા ભાગમાં પણ દર્દીઓની સંખ્યા ઘટવાની શરૂ થશે જેવું કે હાલ મહારાષ્ટ્રમાં થવા લાગ્યું છે.

ડૉ ગુલેરિયાએ કહ્યું હતું કે, ભારતમાં કોરોનાના કેસ વધવા પાછળના બે-ત્રણ કારણ છે. યુકે વેરિયેન્ટ આવ્યા પછી દેશમાં ઝડપથી કેસ વધ્યા. પહેલા સામાન્ય વેરિયેન્ટ હતો ત્યારે એક દર્દી ત્રણ-ચારને સંક્રમિત કરતો, પરંતુ હવે એક વ્યક્તિ દસને સંક્રમિત કરે છે. તેનાથી દર્દીઓની સંખ્યા અચાનક ઘણી વધી ગઈ, જેના કારણે આરોગ્યના સંસાધનો ઓછા પડી ગયા. પહેલી લહેરથી જે અનુભવ મળ્યો હતો તેનાથી ક્યારેય એવું ના લાગ્યું કે કેસ આટલી ઝડપથી વધશે. એટલે તૈયારીમાં ખામી રહી ગઈ.

રેમડેસિવિરને લઈને જણાવતા તેમણે કહ્યું હતું કે, ડૉક્ટરોએ સમજવું જોઈએ કે તેમણે આ ભયાનક સ્થિતિનો ફાયદો ના ઉઠાવવો જોઈએ. આ દવા લો, પેલી દવા લઈ આવો, આ પ્રકારનું વલણ અયોગ્ય છે. ડૉક્ટરોને વેબિનાર કરીને ફરી સમજાવવા પડશે કે, જે તે દવાનો ઉપયોગ કયા સંજોગોમાં કરવાનો છે અને ક્યારે નથી કરવાનો. તેમણે કહ્યું હતું કે, સ્ટેરોઈડ અને રેમડેસિવિર ખોટા સમયે અપાય છે જે બિલકુલ યોગ્ય નથી. કેટલાક લોકો જાતે જ ઓક્સિજનનો ઉપયોગ કરી રહ્યા છે. ઓક્સિજનનું સ્તર 96 હોવા છતાં લેવો ખોટું છે. તેનાથી નુકસાન થાય છે. આમ રેમડેસિવિર અને કારણ વગરનું ઓક્સીજન માટે દોડાદોડી કરનારાઓને ગુલેરિયાએ મોટી સલાહ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.