ટિકટૉક ગર્લ કીર્તિ પટેલની ધરપકડ, છેડતી સહિતની કલમો હેઠળ નોંધાયો ગુનો

GUJARAT

વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે આજે તેની ધરપકડ કરી છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બિભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ સુરેન્દ્રનગરની અને સોશિયલ મીડિયા પર હંમેશા પોસ્ટ કરીને અન્ય લોકો વિશે વિવાદિત નિવેદન કરનારી કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે.

બે મહિના અગાઉ એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધાતા તે પોતે મેકઅપ સાથે પોલીસ સમક્ષ હાજર થઈ હતી.

કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી. જેના પગલે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કીર્તિ પટેલની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી હતી. જોકે આરોપી કીર્તિ પટેલે પોતાના પર લાગેલા તમામ આક્ષેપ નકારી આ તમામ ઘટનાથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આરોપી કીર્તિ પટેલ સામે અગાઉ સુરતમાં પણ હત્યાના પ્રયાસ સહિત અલગ-અલગ 3 ગુનાઓ દાખલ થયા હતા. જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે સુરતમાં ન પ્રવેશવાની શરતે જામીન પર છૂટેલી કીર્તિ પટેલ કાયદાને ખિસ્સામાં રાખીને બેફામ વાણી વિલાસ કરતી રહે છે. હવે વસ્ત્રાપુર પોલીસ દ્વારા આરોપી કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ ગુનામાં સામેલ અમદાવાદના ભરત ભરવાડ નામના આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.