સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે રેલવે ફાટકની નજીક આવેલી સોસાયટીમાં રાત્રિના અંધકારમાં ચાકુ સાથે આવેલા ચોરથી ગભરાવવાની જગ્યાએ 20 વર્ષીય રિયાએ હિંમતપૂર્વક સામનો કર્યો. ચોર સાથે ઝપાઝપીમાં રિયાના હાથે ઈજા પર પહોંચી, પરંતુ તેણે હાર ના માનતા ચોર ભાગી છૂટ્યો હતો. આ ઘટનામાં સુરતની આ બહાદૂર દીકરીને હાથમાં 24 ટાંકા આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પલસાણા તાલુકાના ચલથાણ ગામે રેલવે ફાટકની બાજુમાં આવેલ રામકબીર સોસાયટીમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના બે દીકરી અને માતા મંગળવારે રાત્રિના સમયે ઘરમાં સૂતા હતા. જ્યારે મોટી દીકરી રિયા સ્વાઇન બારડોલી સાયન્સ કોલેજના પહેલાં વર્ષમાં અભ્યાસ કરતી હોવાથી રાત્રિના 1:30 વાગ્યામાં અરસામાં ઘરમાં અભ્યાસ કરતી હતી. જેથી મકાનની લાઈટ ચાલુ હતી.
આ દરમિયાન લાઈટ ચાલુ જોઈને રાત્રિએ રેકી કરી રહેલા 3 ચોર આ ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. એ સમયે એકાએક પાવર કટ થતા અંધારાનો લાભ લઇ ચોરો પાછલા બારણું તોડી ઘરમાં ઘુસ્યા ઘરમાં કઈક અવાજ આવતા પરિવારના સભ્યો જાગી ગયા એ સમયે લાઈટ આવતાં પરિવારના સભ્યો અને ચોરો વચ્ચે હાથાપાઈ થઈ.
જેમાં એક ચોરે અભ્યાસ કરી રહેલી યુવતીને હાથના ભાગે ચપ્પુના ઘા મારી મોબાઈલ લઈ ભાગી છૂટ્યા હતા. જો કે પરિવારે બૂમાબૂમ કરી દેતા આસપાસના લોકોએ યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં યુવતીને હાથના ભાગે 24 ટાંકા આવ્યા હતા. હાલ તો પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સેલ્ફ ડિફેન્સનો કોર્સ કામમાં આવ્યો
બીજી તરફ યુવતી રિયા કોલેજમાં સેલ્ફ ડિફેન્સના કોર્સ કરતી હોવાથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે યુવતીએ બહાદુરી પૂર્વક તસ્કરો સામે બાથ ભીડતા તસ્કરો ભાગી છૂટ્યા હતા.