શું વીર્યનું એક ટીપું બનવામાં લોહીનાં 100 ટીપાં વપરાય છે ?? જાણો આ માન્યતા વિશે…..

GUJARAT

પ્રશ્ન : હું 26 વર્ષની મહિલા છું અને હાલમાં સગર્ભા છું. અત્યારે કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે મને મારા ગર્ભસ્થ શિશુ વિશે ભારે ડર લાગે છે. ગર્ભમાં રહેલા બાળકને કોરોના થવાનો કેટલો ખતરો હોય છે અને એને આનાથી કઇ રીતે બચાવી શકાય છે? એક મહિલા (સુરત)

ઉત્તર : ગર્ભમાં રહેલ બાળકને પણ માતા દ્વારા કોરોના થવાની સંભાવના રહે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર સગર્ભાવસ્થા દરમિયાન મહિલાની ઇમ્યૂનિટી ઓછી હોય છે. જેના કારણે તેને ઇન્ફેક્શન થવાની સંભાવના વધારે હોય છે. પ્રેગનન્ટ મહિલાઓમાં કોરોના વાયરસ ઇન્ફેક્શનના કેસમાં 28 અઠવાડીયાં બાદ ઇન્ફેક્શન જલ્દી લાગે છે. માટે સાવધાની રાખવાની ખૂબ જરૂર છે.

પ્રેગન્સીના સમયમાં હાર્ટ સંબંધીત તકલીફો હોય તે મહિલાઓએ વધારે સાચવવું જોઇએ. ગર્ભાવસ્થા દરમિયાન માતા અને તેના ગર્ભને કોરોના વાયરસથી બચાવવા માટે તમામ સાવચેતી રાખવી જરૂરી છે. સગર્ભાએ હાથ થોડા થોડા સમયે ધોવા જોઇએ, માસ્ક લગાવેલું રાખવું જોઇએ અને લોકોથી અંતર રાખવું જોઇએ. પોષણક્ષમ આહાર લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો ઘરના કોઈપણ સભ્યમાં લક્ષણો દેખાય છે, તો પછી તેમનાથી અંતર પણ રાખવું જોઈએ. આ સિવાય ડોક્ટરે આપેલી તમામ સૂચનાઓનું સારી રીતે પાલન કરવું જોઇએ.

પ્રશ્ન : શું વીર્યનું એક ટીપું બનવામાં લોહીનાં 100 ટીપાં વપરાય છે? મને શીઘ્રપતનની સમસ્યા છે અને એટલે જ મને વધારે નબળાઇ લાગતી હશે? એક પુરુષ (વાંકાનેર)

ઉત્તર : વીર્યનું એક ટીપું બનવામાં લોહીનાં 100 ટીપાં વપરાય છે એ બિલકુલ સાચુ નથી. જેવી રીતે લાળ ગ્રંથિ દ્વારા લાળનું નિર્માણ થાય છે તે વીર્યનું નિર્માણ જાતીય ગ્રંથિઓ દ્વારા થાય છે. વીર્ય સાથે લોહીને કંઈ જ લેવાદેવા નથી. જ્યાં સુધી નબળાઇની સમસ્યા છે ત્યાં સુધી નબળાઇ અને શીઘ્રપત્ન વચ્ચે કોઇ સંબંધ નથી.

સહવાસ દરમિયાન ચરમ આનંદ પ્રાપ્તિની ક્ષણને ‘ઓર્ગેઝમ’ કહેવાય છે. જો આ પહેલાં જ વીર્ય સ્ખલન થઈ જાય તો તેને ‘શીધ્રપતન’ કહેવામાં આવે છે. તેને કોઈપણ પ્રકારની નબળાઈ સાથે કોઈ જ લેવા દેવા નથી. શીઘ્રપતન માટે ઘણાં કારણો જવાબદાર છે. પતિ-પત્ની બંનેને યોગ્ય ચિકિત્સક દ્વારા જાતીય શિક્ષણ આપવાથી પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે.

પ્રશ્ન : મને દાંતમાં વારંવાર પરૂ થઇ જાય છે અને એના કારણે બહુ દુખાવો થાય છે. મારી આ સમસ્યાનું સમાધાન શું છે? એક મહિલા (વડોદરા)

ઉત્તર : મોટાભાગે દાંતમાં સડો થવાથી દાંતમાં પરૂ થાય છે અને એના કારણે દાંતમાં સતત દુખાવો રહે છે. જે દાંતમાં સડો થઇ જાય છે તેમાં બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે અને તે વધતાં જ રહે છે, આના કારણે દાંતની આસપાસના હાડકાંઓમાં પણ સંક્રમણ થાય છે. જો સમયસર તેનો ઇલાજ ન કરાવવામાં આવે તો દાંત સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. દાંતનો સડો દાંતમાં કેટલો ઊંડો છે એટલે કે સડો કયા તબક્કામાં છે તેના પ્રમાણે તેની સારવાર થાય છે. જો દાંતનો સડો ઈનેમલ કે ડેન્ટીન સુધી જ મર્યાદિત રહેલ હોય અને પલ્પ (દાંતની નસ) ને કોઈ નુકસાન થયું ન હોય તો માત્ર ફિલીંગ દ્વારા કરી શકાય છે પરંતુ જો દાંતનો સડો વધારે ઊંડો હોય અને પલ્પ સુધી પહોચી જાય તો તેવા કેસમાં દાંત બચાવવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જરૂરી બને છે. મોટા ભાગના કેસમાં સડેલા દાંતને યોગ્ય સારવાર દ્વારા બચાવી શકાય છે. જો દાંતના સડાની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો ચેપ હાડકાં સુધી પ્રસરી શકે છે જેના કારણે બીજી જટિલ શારીરિક સમસ્યા થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *