શું તમે પણ લીલા શાકભાજીના નામે કેન્સરના કોળિયા પેટમાં પધરાવો છો! ???

GUJARAT

અમદાવાદથી ગયેલું ઝેર શાકભાજીમાં ભળીને ફરી પરત અમદાવાદ જ આવે છે અને અમદાવાદીઓ આરામથી આરોગે છે ? શું કેમિકલ ફેક્ટરીઓ લાખો માનવ જિંદગી ખતમ કરી દેશે પછી સરકાર અનેે ય્ઁઝ્રમ્ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે?

અમદાવાદમાં મળતાં લીલાછમ શાકભાજી જોઈને શહેરની હર કોઈ ગૃહિણી મોહી પડે. આપણે આ શાકભાજી ખરીદી લાવીએ અને હોંશે હોંશે આરોગીએ પણ ખરા. પરંતુ હવે અમે જે કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમે ચોંકી જશો. તમે તમારી થાળીમાં લીલા શાકભાજીના નામે જે કોળિયા આરોગી રહ્યા છો તે શાકભાજીના નહીં પરંતુ કેન્સરના કોળિયા છે. જી હા! આપે બિલકુલ બરાબર જ વાંચ્યું છે. અમદાવાદમાં મળી રહેલા મોટાભાગના શાકભાજી સાબરમતી નદીના હેઠવાસના બન્ને કિનારાઓ પરના ખેતરોમાં ઉગાડાય છે. જેમાં સાબરમતી નદીનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જ વાપરવામાં આવે છે. જેના લીધે કેન્સર જેવી ગંભીર બિમારી કરતાં તત્ત્વો શાકભાજીમાં ભળીને આપણા ઘર સુધી પહોંચે છે.

અમદાવાદમાં આવેલા ઓઢવ, નરોડા, નારોલ, વટવા, દાણીલીમડામાં ધમધમતી કેમિકલ ફેક્ટરીઓએ ઝેરી રસાયણ અને કેમિકલવાળું પાણી સાબરમતી નદીમાં છોડીને મોતનો ખેલ માંડયો છે. ભોપાલ ગેસકાંડની યાદ અપાવી જાય અને તેની જેમ લાંબાગાળા સુધી વિપરીત અસરો છોડી જાય તેવી અત્યાર સુધીની સૌથી મોટી ખાનાખરાબી સર્જાઈ ચૂકી છે. આ ખાનાખરાબીના ભાગરુપે અમદાવાદવાસીઓમાં કેન્સરના કેસોમાં ઉછાળો આવ્યો છે.

સાબરમતી નદી વાસણા બેરેજથી આગળ વધીને ધોળકાના ગામોમાં અને તેની નીચે ભાલ કાંઠાના ગામો થઈને આગળ સમુદ્રમાં મળે છે. ત્યારે આ નદીને હથિયાર બનાવી કેમિકલ માફિયાઓએ બરબાદીનો ખેલ માંડયો છે. આ બધામાં ખાટલે મોટી ખોડ એ છે કે કેમિકલ ફેક્ટરીઓ અને પ્રોસેસ હાઉસો તેમનું ઝેરી કેમિકલવાળું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર અને કેટલાકમાં અધૂરી ટ્રીટમેન્ટ કરીને સીધું જ સાબરમતી નદીમાં છોડી રહ્યાં છે.

ઝેરી અને કેમિકલવાળું પાણી નદીના પ્રવાહમાં આગળ વધતું-વધતું ધોળકાના ગામો અને તેનાથી આગળ ભાલ કાંઠાના ગામોમાં થઈને અંતે ખંભાતના અખાતમાં મળે છે. આ પટ્ટામાં હજારો ખેડૂતો વર્ષોથી સાબરમતીના પાણીથી શાકભાજીની ખેતી કરે છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે છેલ્લા બે દાયકાથી જે રીતે અમદાવાદના કેમિકલ માફિયાઓએ સાબરમતી નદીમાં કેમિકલવાળું પાણી ઠાલવી-ઠાલવીને સાબરમતીને પ્રદૂષિત કરી છે તેની સીધી અસર શાકભાજીના વાવેતર પર થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શાકભાજીની ખેતીમાં કેમિકલવાળા પાણીનો વપરાશ થવાના કારણે શાકભાજીમાં પણ આ ઝેરી કેમિકલની અસર આવે છે. અને આવી રીતે પાકેલું શાકભાજી અમદાવાદની માર્કેટમાં જ વેચાવા આવે છે. જે શાકભાજી અમદાવાદવાસીઓ હોંશે-હોંશે આરોગે છે. પરિણામે ઘાતક રસાયણો શહેરીજનોના પેટમાં જાય છે અને કેન્સર સહિતના ગંભીર રોગો થઈ રહ્યાં છે. સતત આ ઝેરી રસાયણ તત્ત્વોવાળા શાકભાજી આરોગવાના કારણે અમદાવાદીઓને કેન્સર થવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આંતરડાનું કેન્સર, જઠરનું કેન્સર, ફેફસાનું કેન્સર, મોઢાનું કેન્સર, જડબાનું કેન્સર, તેમજ ચામડીના અન્ય ગંભીર રોગોના અજગરભરડામાં અમદાવાદીઓ આવી ચૂક્યાં છે.

ય્ઁઝ્રમ્ના અધિકારીઓ મોતના તાંડવથી પૂરેપૂરા વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યાં છે. કેમિકલ માફિયાઓ ય્ઁઝ્રમ્ના અધિકારીઓના ગજવાં એટલા ગરમ રાખે છે કે અધિકારીઓ પગલાં લેવાનું ટાળી રહ્યાં છે. લાખો માનવ જિંદગીઓનો સોદો કરી જીપીસીબીના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં સૂઈ ગયા છે. ત્યારે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો હજારો એકર ખેતીની જમીન અને લાખો માનવ જિંદગીઓ ભરખાઈ જતાં વાર નહીં લાગે.

કેમિકલવાળા પાણીથી ઉગેલા શાકભાજી ખાવાથી કેન્સર જેવા રોગ થાય છે ઃ ડો.ગર્ગ

કેમિકલવાળા પાણીથી ઉગાડવામાં આવતાં શાકભાજી ખાવા શરીર માટે અનેક રીતે ઘાતક સાબિત થઈ શકે છે. કેમિકલયુક્ત પાણીમાં મેટલ્સનું પ્રમાણ ઘણું જ વધારે હોય છે. આર્સેનિક, મરક્યુરી, ક્રોમિયમ જેવા તત્વોનું પ્રમાણ વધુ હોવાથી તે શાકભાજીમાં જાય છે અને તેવા શાકભાજી ખાવા શરીર માટે નુકસાનકારક બને છે. આવા શાકભાજી ખાવાના કારણે ઝાડા, વોમિટિંગ, અલ્સર, કિડનીને નુકસાન, બીપી, મગજના જ્ઞાાનતંતુઓ નબળા પડવા, હાથપગમાં નબળાઈ આવવા જેવી ગંભીર પ્રતિકૂળ અસરો થાય છે. અનેક કિસ્સાઓમાં કેન્સર પણ થાય છે. આંતરડાનું અને શરીરના અન્ય અંગોનું કેન્સર થાય છે. પુરુષોમાં નપુંસકતા પણ આવી શકે છે. બાળકોનો વિકાસ પણ અટકી જાય છે.

અમદાવાદથી આગળ વધતી સાબરમતી નદી નાની વણઝર, મોટી વણઝર, કમોડ, બાકરોલ, કાસીન્દ્રા, જૂના નવાપુરા, નવાપુરા, ગાણોલ, સરોડા, મહિજડા, ચંડિસર, ચિત્રાસર, આંબલિયારા, સાથળ, પથાપુરા, રસિકપુરા, વૌઠા, ગીરંદ, પાલ્લા, મોટા કળોદરા, ઈંગોલી, નભોઈ, રિંઝા, રામપુરા અને આનંદપુરા થઈને આગળ ખંભાતના અખાતમાં મળે છે. આ તમામ ગામોના ખેડૂતો વધુ ઓછા અંશે વર્ષોથી શાકભાજીની ખેતી કરી રહ્યાં છે. જેમાંના મોટાભાગના સાબરમતી નદીના પાણી આધારિત સિંચાઈ કરે છે. સાબરમતીમાં ઠાલવાતાં ઝેરી કેમિકલવાળા પાણીની સૌથી વધુ વિપરીત અસર આ ખેડૂતોને તેમની ખેતીમાં પહોંચી રહી છે.

કેન્સર અને અન્ય ગંભીર રોગ માટે કયા ઝેરી રસાયણો જવાબદાર

ગ્રામજનોને કેન્સર, ચામડીના રોગ અને આંતરડાના રોગો થઈ રહ્યાં છે. આવું શાકભાજી ખાવાના લીધે નાગરિકો જઠરના કેન્સર, આંતરડાના કેન્સર, અને ચામડીના રોગો સહિતના ગંભીર રોગોનો શિકાર બની રહ્યાં છે. પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સાબરમતીમાં છોડાતાં પાણીમાં ફોર્માલ્ડીહાઈડ, એન્ટિબાયોટિક્સ, જંતુનાશકો, રંગો, ફિનોલ્સ, ઝાયલીન, યેલ્યુએન, બેન્ઝમી વગેરે જેવા કેન્સરને નોતરું આપતાં રાસાયણિક તત્ત્વો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *