શ્રાદ્ધ કર્મ શું છે? તે ક્યારે અને કેમ કરવું? જાણો અહીં વિગતે

nation

પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતાં મુક્તિકર્મને શ્રાદ્ધ કહેવામાં આવે છે તથા પિતૃઓને તૃપ્ત કરવાની ક્રિયા અને દેવતાઓ, ઋષિઓને તલમિશ્રિત જળ અર્પિત કરવામાં આવતી ક્રિયાને તર્પણ કહેવામાં આવે છે. આ મહિનો શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે. મોટાભાગે આપણાં ઘરમાં આપણાં પિતૃઓનું શ્રાદ્ધ હોય ત્યારે તેમને ભાવતું ભોજન અને તેની સાથે દૂધપાક, પૂરી બનાવવામાં આવે છે. આપણે ભોજન બનાવીને સૌથી પહેલાં પિતૃઓને અર્પણ કરીએ છીએ. આપણા વડવાઓ જે તિથિમાં અવસાન પામ્યા હોય તે તિથિમાં આપણે આ માસમાં તેમનું શ્રાદ્ધ કરીએ છીએ. આ જ રીતે એક શ્રાદ્ધ બાળાભોળાનું આવે છે, જેમાં બાળકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે તો એક શ્રાદ્ધ સર્વપિતૃ અમાસનું આવે છે, તેમાં આપણે એવા પિતૃઓનું શ્રાદ્ધ કરીએ છીએ જે આપણી અગાઉની ઘણી પેઢીના હોય.

પુરાણોમાં આલેખાયેલું છે તે પ્રમાણે જ્યારે પણ કોઇ મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે આત્મા શરીરનો ત્યાગ કરીને પોતાની યાત્રાનો પ્રારંભ કરે છે. આ યાત્રા દરમિયાન આત્માને ત્રણ માર્ગ મળે છે, આત્માને કયા માર્ગે જવું જોઇએ તે તેણે ધરતી ઉપર જીવિત હોય ત્યારે કેવાં કર્મો કર્યાં છે તેના ઉપર આધાર રાખે છે. આ ત્રણેય માર્ગો પૈકી અર્ચી માર્ગ, ધૂમ માર્ગ અને ઉત્પત્તિ વિનાશ માર્ગ એમ ત્રણ પ્રકાર હોય છે.

જ્યારે વ્યક્તિ પોતાનું શરીર છોડીને જાય ત્યારે તેની પાછળ સમગ્ર વિધિ કરવી જરૂરી છે. તેના આત્માને શાંતિ થાય તે માટે તમામ ક્રિયાકર્મ કરવાં જરૂરી હોય છે, કારણ કે ક્રિયાકર્મ એ આત્માને આત્મિક બળ આપે છે, આ બળથી આત્મા સંતુષ્ટ બને છે. વ્યક્તિ ગુજરી જાય ત્યારબાદ તેને ત્રણ વર્ષે શ્રાદ્ધમાં ભેળવવામાં આવે છે. શ્રાદ્ધમાં ભેળવ્યા બાદ દર વર્ષે તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ વખતે કાગડાઓને પિતૃ માનીને ભોજન ધરાવવામાં આવે છે.

શ્રાદ્ધના પ્રકાર

શ્રદ્ધાપૂર્વક થતી શ્રાદ્ધની વિધિ, તેના વિવિધ પ્રકાર તેમજ વિવિધ અંગ, તેનાથી થતી પિતૃઓની તૃપ્તિ વગેરે પાછળની તાત્ત્વિક વિચારણા સમજવા જેવી છે. યમસ્મૃતિમાં પાંચ પ્રકારનાં શ્રાદ્ધનો ઉલ્લેખ મળે છે.

નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ અને પાર્વણ એમ શ્રાદ્ધના પાંચ પ્રકાર છે એવું વિદ્વાનો કહે છે. ભવિષ્ય પુરાણમાં આ પાંચ શ્રાદ્ધ પણ છે. એટલે તેના બાર પ્રકાર છે.

નિત્ય શ્રાદ્ધઃ જે હંમેશાં કરવાનું હોય છે અને પિતૃઓ અને ઋષિઓને તર્પણ કરવાનું હોય છે.

નૈમિત્તિક શ્રાદ્ધઃ કારણ પ્રસંગે નિમિત્ત કારણે થતું શ્રાદ્ધ.

કામ્ય શ્રાદ્ધઃ કોઇ કાર્યસિદ્ધિને માટે કરવામાં આવતું શ્રાદ્ધ.

વૃદ્ધિ શ્રાદ્ધઃ વૃદ્ધિકાળમાં પુત્રજન્મ, વિવાહ ઇત્યાદિ આનંદમાં વૃદ્ધિ કરનારા પ્રસંગે કરવામાં આવતું શ્રાદ્ધ.

પાર્વણ શ્રાદ્ધઃ અમાવાસ્યા તિથિના દિવસે કાં તો પર્વ સમયમાં શ્રાદ્ધ પર્વમાં જે શ્રાદ્ધ કરવામાં આવે તે.

સપિંડન શ્રાદ્ધઃ પ્રેતપિંડને પિતૃઓના પિંડમાં સમાવવામાં આવે તેને જેને આપણે મૃત્યુ પછી શ્રાદ્ધ સરાવવાની ક્રિયા કહીએ છીએ તે. ગોશાલામાં શ્રાદ્ધ કરવામાં આવે તે ગોષ્ઠિ શ્રાદ્ધ. શુદ્ધિ નિમિત્તે શ્રાદ્ધ કરી બ્રાહ્મણને ભોજન આપવામાં આવે છે.

શ્રાદ્ધ પાછળનો હેતુ

ટૂંકમાં, આ બધાં શ્રાદ્ધ કરવા પાછળનો એક જ હેતુ છે કે દેવતાઓનું, ઋષિઓનું અને પિતૃઓનું આપણા પર જે ઋણ છે, તેનું કૃતજ્ઞાતાપૂર્વક સ્મરણ કરીને તેમને તર્પણ કરવું. તેમને તૃપ્ત કરવા એ આપણી નૈતિક ફરજ છે.

આટલું જ નહીં શ્રાદ્ધના દિવસો એટલે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, વાયુ, વરુણ અગ્નિ વગેરે દેવતાઓએ આપણા ઉપર કરેલા અગણિત ઉપકારોનું કૃતજ્ઞાતાપૂર્વક સ્મરણ કરી તેમની પૂજાવિધિ કરી તેમને તૃપ્ત કરવાના દિવસો.

ટૂંકમાં, શ્રાદ્ધના દિવસો એટલે પિતૃ, ઋષિઓ અને દેવતાઓના ત્રિવિધ ઋણમાંથી મુક્ત થવાના, તેમનું તર્પણ કરવાના દિવસો.

શ્રાદ્ધ દરમિયાન શું કરવું?

શ્રાદ્ધ વખતે બ્રાહ્મણ, ભાણેજ, મામા, ગુરુ, તેમજ પૌત્રને ભોજન કરાવવું. આમ કરવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે.

જ્યારે પણ બ્રાહ્મણ, ભાણેજ, મામા કે શ્રાદ્ધ વખતે બોલાવેલી કોઇપણ વ્યક્તિને ભોજન પીરસો ત્યારે હંમેશાં બે હાથે જ ભોજનની થાળી લઇને આવવી જોઇએ, કારણ કે એક હાથે થાળી લાવવાથી ભોજનનો અમુક અંશ રાક્ષસ આરોગી લે છે તેવું શાસ્ત્રોમાં કહેવાયું છે, તેથી હંમેશાં આદરથી બંને હાથે જ ભોજન લાવવું જોઇએ.

શ્રાદ્ધ સમયે દ્વાર પર કોઇ ભિક્ષુક આવ્યા હોય, કોઇ જીવજંતુ, પ્રાણી કે પક્ષી આવ્યાં હોય તો તેમને ખાલી હાથે ન જવાં દેવાં, તેમના માટે ભોજન અને પાણીનો અચૂક પ્રબંધ કરવો. નાના જીવ કે પ્રાણીને તે દિવસે હાનિ પણ ન પહોંચાડવી.

જેટલા દિવસ શ્રાદ્ધ ચાલતાં હોય તેટલા દિવસ ઘરમાં જે પણ ભોજન બને તેનો એક ભાગ ગાય, કૂતરાં, કાગડા, બિલાડી કે બીજાં કોઇપણ પ્રાણીને આપવો. તમે આ બધામાંથી કોઇ એક પ્રાણી કે પક્ષીને પણ આપી શકો છો. ભલે તમારા પિતૃઓનું શ્રાદ્ધ હોય કે ન હોય પણ શ્રાદ્ધ સમયે રોજ આપણાં ભોજનમાંથી થોડું ભોજન પ્રાણી કે પક્ષીને આપવું જોઇએ.

સાંજના સમયે સૂર્યાસ્ત વખતે એક દીવો કરીને આ દિવસોમાં રોજ ઘરના ઉંબરે, એટલે કે ઘરના મુખ્ય દરવાજા પાસે મૂકવો અને પિતૃઓનું ધ્યાન કરવું. આમ કરવાથી પિતૃઓ ખુશ થાય છે ને તેમને તે દીવો જોઇને સંતોષ પ્રાપ્ત થાય છે.

આ સમય દરમિયાન જે વ્યક્તિ રોજ પિતૃઓને જળ ચડાવે, પ્રાણી કે પક્ષીઓને ભોજન આપે અને પિતૃઓની મૃત્યુ તિથિના દિવસે તેમનું શ્રાદ્ધ કરે તેના સર્વ મનોરથ પૂરા થાય છે. તેમને ક્યારેય કોઇ કષ્ટ ભોગવવું નથી પડતું.

જે વ્યક્તિને તેમના પિતૃની મૃત્યુતિથિ યાદ ન હોય તેમણે સર્વપિત્રી અમાસના દિવસે બધા પિતૃનું શ્રાદ્ધ કરવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published.