સાવધાન મિત્રો…કારમાં બ્લેક ફિલ્મ હોય તો કાઢી નાંખજો, ટ્રાફિક પોલીસે ત્રણ દિવસની ડ્રાઇવ ગોઠવી

GUJARAT

ગુજરાતમાં હવે તહેવારોની સીઝન ચાલું થઈ છે. લોકોમાં હવે કોરોના વાયરસનો ભય ખતમ થઈ ગયો છે અને વરસાદી માહોલમાં બેફામ થઈને પર્યટન સ્થળોએ જઈ રહ્યા છે, ત્યારે આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસે હવે કારની બ્લેક ફિલ્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આગામી ત્રણ દિવસ સુધી સુરતમાં બ્લેક ફિલ્મની ડ્રાઇવ રાખી કેસ કરવાના આદેશ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે.

શ્રાવણ માસની શરૂઆત સાથે તહેવારોની શરૂઆત થઇ ચૂકી છે. સામે દિવાળી પણ આવી રહી છે. તહેવારો દરમિયાન તોફાની તત્ત્વો બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરતાં હોય છે. તે ઉપરાંત તહેવારોમાં બીજી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ કમિશનરે કાર ઉપરથી બ્લેક ફિલ્મ હઠાવવા માટે ડ્રાઇવનું આયોજન કરવા આદેશ કર્યો હતો. છેલ્લા કેટલાંક સમયથી કારમાં બ્લેક ફિલ્મની સંખ્યા પણ વકરી છે. સામાન્ય ગણાતા ટપોરીથી લઇને પોલીસ કોન્સ્ટેબલ્સ સુધ્ધાં કારમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરી રહેલાં જોવા મળી રહ્યા છે.

કેટલાક અકસ્માતોમાં પણ કાર ઉપર બ્લેક ફિલ્મ જોવામાં આવ્યાનું બહાર આવ્યા બાદ મામલો ગંભીર બન્યો છે. ડી.સી.પી. ટ્રાફિક દ્વારા આ મામલે દરેક સેક્ટરના એ.સી.પી.ઓને પણ ટીમ બનાવી કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. આ સંજોગોમાં વાહનચાલકોએ પોતે જ પોતાની કારની બ્લેક ફિલ્મ દૂર નહિ કરે તો પોલીસ ફિલ્મ તો કાઢી જ લેશે પરંતુ દંડ ભરવો પડશે તે નફામાં.

ચાર મહિના પહેલાં પોલીસે બ્લેક ફિલ્મની ડ્રાઇવ જોરશોરથી શરૂ કરી હતી. પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કર્મચારીઓની કારમાંથી પણ બ્લેક ફિલ્મ ઉતારી તેમને દંડ કરવામાં આવ્યા હતા. આ વખતે પણ પોલીસ કમિશનર કચેરીમાંથી જ શ્રીગણેશ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *