સાવધાન! અમરેલીના છતડિયા ગામે મોબાઈલ ફાટ્યો, યુઝર્સનો હાથ લોહીલુહાણ

GUJARAT

ગુજરાતમાં મોબાઈલ બ્લાસ્ટની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના છતડિયા ગામમાં મોબાઈલ ફાટવાના કારણે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજુલા તાલુકાના છતડિયા ગામમાં રહેતા માવજીભાઈ પોતાના ઘરે હતા, ત્યારે અચાનક તેમના મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને તેમના પરિવારજનો એકઠા થઈ ગયા હતા. તેમણે જોતા માવજીભાઈના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું અને આંગળીઓ લોહી લુહાણ થઈ ગઈ હતી. જે બાદ તેમને સારવાર સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ પાટણ જિલ્લાના રાધનપુરમાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં રાધનપુરની માનસી મોટર ગેરેજ નામની દુકાનમાં એક વ્યક્તિના ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગ્યો હતો. જે બાદ યુવકે ગભરાઈને તાત્કાલીક પોતાના મોબાઈલને ખિસ્સામાંથી બહાર ફેંકી દીધો હતો. જો કે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહતી થઈ.

જ્યારે જુલાઈ મહિનામાં પણ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા છેટાસણા ગામમાં શ્રદ્ધા દેસાઈ નામની એક સગીરા મોબાઈલ પર વાત કરી રહી હતી. એ સમયે મોબાઈલ ચાર્જિંગમાં મૂકેલો હતો અને શ્રદ્ધા ચાર્જિંગ દરમિયાન જ મોબાઈલ પર વાત કરી રહી હતી. આ દરમિયાન અચાનક મોબાઈલની બેટરી ફાટી ગઈ, જેમાં શ્રદ્ધા ગંભીર રીતે ઘાયલ થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *