સૌરાષ્ટ્રના પોલિટીકલ પાવર હાઉસ ગણાતા રાજકોટને ઝટકો, હવે માત્ર એક રાજયમંત્રીઃ સૌરાષ્ટ્રમાં 7 MLA પ્રધાન

GUJARAT

સૌરાષ્ટ્રના પોલિટીકલ પાવર હાઉસ ગણાતા રાજકોટને ઝટકો… રાજકોટ,જામનગર, મોરબી, કેશોદ, લીંબડી, મહુવા અને ભાવનગરના ધારાસભ્યોને મંત્રીપદ

। રાજકોટ । સૌરાષ્ટ્રના ૭ ધારાસભ્યોને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. જેમાં બ્રિજેશ મેરજાના નામે મોરબીને આઝાદી પછી પ્રથમ વખત મંત્રીપદ મળ્યું છે. રાજકોટમાંથી અરવિંદ રૈયાણી રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે, જ્યારે અમરેલી, પોરબંદરનો સમાવેશ થયો નથી. સૌરાષ્ટ્રમાં કેશોદના દેવાભાઈ માલમને મંત્રીપદ મળ્યું છે, જે ધો.૪ પાસ છે.

રાજકીય ઝંઝાવાતમાં આશ્ચર્યો અને આઘાતો વચ્ચે નવા મંત્રીમંડળમાં ઘણાની કારકિર્દી અચાનક પૂર્ણ થઈ ગઈ તો ઘણાને લોટરી લાગી છે. રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળશે તેવી ધારણા એકાદ સપ્તાહ પહેલા કોઈ કરી શકે તેમ ન હતુ પરંતુ આનુ નામ રાજકારણ-ભાજપની શીર્ષસ્થ નેતાગીરીના ગણિતમાં તેમનું નામ બંધબેસ્તુ આવી ગયું છે.

જે શહેરમાંથી મુખ્યમંત્રી હતા ત્યાથી હવે મંત્રીપદમાં એકમાત્ર નામ રૈયાણીનું છે. રાજકોટના રાજકીય વર્તુળોને હજૂ’યે કળ વળી નથી કારણ કે અહી ઘણા આગેવાનો સુપર સીએમ જેવો ઠાઠ ભોગવતા હતા. સામે કાંઠે વર્ચસ્વ ધરાવતા રૈયાણી ૪૪ વર્ષિય યુવાનેતા છે, તે ઘો. ૮ પાસ છે અને તેમણે ચૂંટણી પંચ સમક્ષ ૧.૮૪ કરોડની સંપતિ દર્શાવી હતી.

તેમને મંત્રીપદ મળતા સામા કાંઠા વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે. નવા મંત્રીમંડળમા ંરાજકોટ જિલ્લો કટ ટુ સાઈઝ થયો છે. મુખ્યમંત્રી અને બે કેબીનેટ મંત્રીને બદલે નવા મંત્રીમંડળમાં માત્ર એક જ ધારાસભ્યને મંત્રીપદ્દ મળ્યું છે અને એ પણ રાજયકક્ષાનું. જો કે, સૌરાષ્ટ્રના સાત ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવાયા છે. ભૂતકાળમાં રાજકોટના ધારાસભ્યો નાણામંત્રી, પુરવઠા મંત્રી સહિતના સ્થાનો ઉપર રહયા છે. છેલ્લા મંત્રીમંડળમાં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા તો તેમની સાથે જયેશ રાદડિયા અને કુંવરજી બાવળીયા બંને કેબીનેટ મંત્રી હતા.

આ વખતે આ ત્રણેની બાદબાકી થયા બાદ સામે એક માત્ર અરવિંદ રૈયાણીને મંત્રી બનાવાયા છે. તે પણ રાજયકક્ષાના છે. રાજકોટ પૂર્વનું પ્રતિનિધિત્વ કરી રહેલા અરવિંદ રૈયાણીએ આજે શપથ લીધા હતા. નો રિપીટ થિયરીને કારણે રાજકોટમાંથી ગોવિંદભાઈ પટેલને સ્થાન નથી મળ્યું તો હાલના મંત્રીઓને ઘરે બેસાડી દેવાયા છે.

સૌરાષ્ટ્રમાંથી હાલ ૭ ધારાસભ્યોને પ્રધાનપદ્દ મળ્યા છે. જેમને પ્રધાનમંડળમાં સમાવાયા છે. તેમાં જામનગરના રાઘવજી પટેલ, કેશોદના દેવાભાઈ માલમ, મહુવાના આર.સી. મકવાણા, મોરબીના બ્રીજેશ મેરજા, લિંબડીના કિરીટસિંહ રાણા અને ભાવનગરના જીતુભાઈ વાઘાણીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *