સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો, આ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ

GUJARAT

હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગતરોજ ભારે પવન ફૂંકાયો હતો. તો આજરોજ વહેલી સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લામાં વરસાદ અને પવન
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં ઠંડક પસરી છે. આકાશમાં કાળા વાદળો અને ધોધમાર વરસાદથી ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. તેમજ કેરીના પાકને નુકશાનની ભીતિ સર્જાઈ છે. ત્યારે ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. તો લોકો વહેલી સવારે નોકરી ધંધા પર નીકળ્યા ત્યારે અચાનક વરસાદ પડતાં લોકો પણ ભીંજાયા હતા. ત્યારે આજરોજ સવારથી વલસાડ જિલ્લામાં વરસાદ અને પવન હાલ ફૂંકાઈ રહ્યો છે.

સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. તો બીજી તરફ વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના આજુબાજુના વિસ્તારોમાં અમી છાંટણા થયા છે. વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. તિથલ સહિત કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો જેને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે.

ધાનપુર અને દેવગઢ બારીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
તો બીજી તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ધાનપુર અને દેવગઢ બારીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણ ઠંડક પ્રસરી છે. જિલ્લામાં ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત મહિસાગરમાં પણ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણની સાથે ઠંડા પવન ફુંકાતા ગરમીના પ્રમાણમાં ઘટાડો છે.

Leave a Reply

Your email address will not be published.