સાળી-બનેવીનો સંબંધ આમ તો આખી દુનિયામાં, પણ ભારતમાં ખાસ મીઠો માનવામાં આવે છે. સાસરાનું નામ પડતાં જ દરેક યુવકના મનમાં સગી કે પત્નીની બહેનપણી એવી સાળીઓના મીઠડા ચહેરા નજર સમક્ષ તરવરવા લાગે છે. પત્ની ભલે ગમે તેટલી સુંદર હોય, પરંતુ સાળીઓ તો ખટમીઠી ચટણી જેવી સ્વાદિષ્ટ લાગે છે.
એમાંય હોળી-દિવાળી જેવા તહેવાર હોય, સગાઇ કે લગ્નનો કોઇ પ્રસંગ હોય કે એકાદ-બે દિવસની સાસરિયાની મહેમાનગતિ હોય, ત્યાં જો પત્નીની બહેનો અને બહેનપણીઓ એટલે કે સાળીઓ હોય, તો તે સ્વર્ગથી પણ સોહમણું લાગે છે. એમાં પણ જો આખો વખત આ સાળીઓની જ મહેમાનગતિ માણવાની હોય, તો તો વાત ન પૂછો. કદાચ આને લીધે જ લોક સંસ્કૃતિમાં અને લોકગીતોમાં સાળી-બનેવીના સંબંધ વિશેનાં સરસ ગીતો થોકબંધ રચાયાં હશે. નજીકની કે દૂરની સાળીઓથી ઘેરાયેલો યુવક પોતાને ઇન્દ્રથી પણ અધિક વૈભવશાળી સમજે છે.
‘સાળી’ શબ્દ બોલતાં જ કેટલો આનંદ આવે છે, એ તો કોઇ તાજા જ બનેવી બનેલા યુવકને પૂછીએ તો જ ખ્યાલ આવે. સાસરિયે જતા કોઇપણ યુવકના મનમાં સાળીઓના મીઠી મશ્કરી કરતા ચહેરાં સંતાકૂકડી રમતા હોય છે. પરંતુ કેટલીય નવપરિણીતા યુવતીઓ શંકાશીલ સ્વભાવને લીધે પોતાના પતિને પોતાની બહેનો અને બહેનપણીઓની નજરથી બચાવવાનો ખોટો પ્રયાસ કરે છે.
આવી યુવતીઓ પોતાના પતિના કોઇપણ સંપર્કને બાજ નજરથી દૂર જવા નથી દેતી અને અંતે પોતાને જ નુકસાન કરી બેસે છે. શંકાનો આ કીડો મનમાં ધીરે-ધીરે મોટો થતો જાય છે અને કેટલાય કિસ્સાઓમાં પતિપત્ની વચ્ચેના પ્રેમભર્યા સંબંધોનું ઇમારતના પાયામાં છેદ પાડી દે છે. પરિણામે તેમની વચ્ચેનું અંતર વધતું જાય છે.
આવી જ ભૂલ એકવાર ઉમાએ કરી. પોતે કરેલી હઠનું માઠું પરિણામ એ આજે પણ ભોગવી રહી છે. એક તો એણે લગ્ન ઘણાં મોડાં કર્યા અને તે પણ પ્રેમલગ્ન. લગ્ન પછી થોડા મહિનામાં જ ઉમા ક્યાંક જઇ રહી હતી. ત્યાં એણે દૂરથી એના આધેડ પતિ ગૌતમના સ્કૂટર પાછળ પોતાની ઓફિસની જ એક સખીને જતી જોઇ. ખલાસ, થઇ રહ્યું. ઘરમાં જાણે તોફાન મચી ગયું. સાંજે એના પતિએ હજી તો ઘરમાં પગ જ મૂક્યો હશે, ત્યાં જ ઉમાએ શરૂ કરી દીધું, ”મેં તમને મારી બહેનપણીની ઓળખાણ એટલા માટે કરાવી હતી કે તમે એને સ્કૂટર પર બેસાડીને ફેરવ્યા કરો કેમ? તમને જો એ વધારે પસંદ હોય, તો મને છૂટાછેડા આપી દો અને એને ઘરમાં બેસાડો. એવા માણસની મારે જરાય જરૂર નથી, જે હરાયા ઢોરની જેમ આમતેમ મોં માર્યા કરે.”
ગૌતમે એને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ બધો જ નકામો ગયો. પછી તો સ્થિતિ એવી બની ગઇ કે ગૌતમ પણ એને શંકાની નજરે જ જોવા લાગ્યો અને બે વરસમાં જ બંને અલગ અલગ રહેવા લાગ્યાં. બીજી તરફ મંજુ એટલી ઉદાર દિલની છે કે ઘણી વાર તો એની બહેનપણી ને મોડું થતું હોય અને મોડી રાત્રે રિક્ષા મળે તેમ ન હોય, તો સામે ચાલીને મંજુ જ એના પતિને તેની બહેનપણીને સ્કૂટર પર બેસાડી એના ઘેર મૂકી આવવાનું કહે છે.
એક દિવસ તો એના પતિએ પૂછ્યું પણ ખરું, ”મંજુ, તું મને તારી બહેનપણીઓ જોડે આટલી હળવામળવાની છૂટ આપે છે, પણ કોઇક દિવસ એકાદી મને ગમી જશે તો?” ત્યારે મંજુએ મીઠો ગુસ્સો કરતાં કહેલું, ”પહેલાં ગમાડી તો જુઓ, પછી જોયું જશે.” અને પછી અમિતની છાતીમાં પોતાનું મોં સંતાડતાં કહ્યું, ”મને તારા પર પૂરો ભરોંસો છે અને માની લે કે કદીક કોઇ તમે ગમી જાય, તો પણ તને મારા પ્રેમની રેશમી દોરીએ બાંધીને પાછો લઇ આવવાની તાકાત મારામાં છે.”