સગીરાને પ્રેમજાળમાં ફસાવી બ્લૅકમેઇલ કરી પૈસા પડાવતા યુવકની ધરપકડ

GUJARAT

ઈન્સ્ટાગ્રામ પર પરિચય બાદ અજાણ્યા ઈસમ સાથે મિત્રતા કેળવવાની મોટી કિંમત ચૂકવવાની નોબત આવી છે. હાલ તો પોલીસે બ્લેકમેઈલ કરનારા આરોપી પ્રેમીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 17 વર્ષીય સગીરાને ઉગત-કેનાલ રોડ પર જાનકી રેસિડન્સીમાં રહેતા ધ્રુવ પ્રકાશ સુરતી સાથે ઈન્સ્ટાગ્રામ પર પરિચય કેળવાયા બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ દરમિયાન એક વખત ધ્રુવે અશ્લિલ ફોટો મંગાવતા તરૂણીએ પોતાનો ટી-શર્ટ વિનાનો ફોટો મોકલ્યો હતો. જે બાદ તેનું આર્થિક શોષણ શરૂ થઈ ગયું હતું.

સગીરાના આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેનો પ્રેમી તેની પાશેથી પૈસા પડાવતો હતો. આ માટે સગીરાએ પોતાના ઘરમાં જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આમ છતાં સતત બ્લેક મેઈલના કારણે કંટાળીને સગીરાએ તેને સોશિયલ મીડિયામાં બ્લોક કરી દીધો હતો. જેના કારણે આરોપીએ સગીરાની પિતરાઈ બહેનનો સંપર્ક કરીને ખંડણી માંગતા હતા. આમ અત્યાર સુધી આરોપીઓએ સગીરા પાસેથી ચોરી કરાવીને 50 હજાર જેટલા રૂપિયા પડાવી લીધા હતા.

પ્રેમીના અસહ્ય ત્રાસથી કંટાળીને સગીરા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. સવારથી ગુમ થયેલી આ સગીરા શોધખોળના અંતે રાત્રે આઠેક વાગ્યે ઘર નજીક આવેલા ગાર્ડનમાંથી મળી આવી હતી. જ્યાં તેના પરિવારે ગુમ થવાનું કારણ પૂછતા, તેણે જે હકીકત જણાવી તે સાંભળીને તેના માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા.

હાલ તો જહાંગીરપુરા પોલીસે આરોપી પ્રેમી ધ્રુવની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે અન્ય વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. હાલમાં કોલેજિયનો અને સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ કિસ્સો એક સંદેશો આપે છે કે, પ્રેમમાં પડવા કરતાં માત્ર શિક્ષણ પર જ ધ્યાન આપવું હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *