સગર્ભા દીકરીને શરીર પર સોજા રહે છે, મોટી તકલીફ નહીંં હોય ને?

GUJARAT

પ્રશ્ન : મારી દીકરીને ગર્ભાવસ્થાનો છઠ્ઠો મહિનો છે. એને અત્યારથી બી.પી. અને શરીર પર સોજા રહે છે. એ પૂરતો આરામ કરે છે અને કોઇ પ્રકારનું ટેન્શન નથી. આ સ્થિતિમાં એને ડિલિવરી વખતે કોઇ મુશ્કેલી તો નહીંં પડે ને? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : તમારી દીકરીને ગર્ભાવસ્થાનો છઠ્ઠો મહિનો છે. ઘણી સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન બ્લડપ્રેશર વધી જવું અને શરીરે સોજા આવવા જેવી સમસ્યાઓ થતી હોય છે. તમે પણ એક માતા છો, તેથી આ વાતનો તમને ખ્યાલ હોવો જોઇએ અને આવું થાય ત્યારે ગાયનેકોલોજિસ્ટને પહેલાં બતાવવાનું હોય એ પણ તમારે યાદ રાખવું જોઇએ. તમે દીકરીને પૂરતો આરામ મળે અને કોઇ પ્રકારનું ટેન્શન ન થાય તેની કા‌ળજી રાખો છો એ સારી વાત છે. આમ છતાં એક વાર તમે દીકરીને કોઇ ગાયનેકોલોજિસ્ટને બતાવી જુઓ અને એને બ્લ્ડપ્રેશર તથા શરીર પર સોજા કેમ છે, તે અંગે પૂછી લો. એ તમારી દીકરીને તપાસીને જે કંઇ સમસ્યા હશે, તેનો ચોક્કસ ઉકેલ જણાવશે. ગર્ભાવસ્થામાં ઘણી મહિલાઓને પગમાં સોજા આવવાની ફરિયાદ હોય છે. યુરિનમાં પ્રોટીનનું પ્રમાણ વધવાથી પગમાં સોજો વધી જાય છે. તે સિવાય વધારે સમય ઊભા રહેવાથી કે પગ લટકાવીને બેસવાથી પણ સોજા આવવાની સમસ્યા થઇ શકે છે. જો સોજા આવવાની સમસ્યા હોય તો નવશેકા પાણીમાં થોડોક વખત પગ ડૂબાડીને પણ રાખી શકો છો અથવા તેલથી મસાજ પણ કરી શકો છો. કેટલીક મહિલાઓને ખાણી-પીણીમાં બદલાવ કે હોર્મોનમાં આવતા બદલાવના કારણે ચહેરા પર પણ સોજા આવે છે. કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જેના ચહેરા પર આ દિવસોમાં સોજા આવવા લાગે છે. ચહેરાના સોજાને ઓછા કરવા માટે ચહેરાની કસરત કરો. થોડાક દિવસ કસરત કરવાથી ચહેરા પરના સોજા ઓછા થઇ જશે.

પ્રશ્ન : મારી વય 34 વર્ષની છે. મારા શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી ગયું છે. શું આ જોખમી છે? એક મહિલા (મહેસાણા)
ઉત્તર : ત્રીસી વટાવ્યાં બાદ સ્વાસ્થ્યને લગતી કેટલીક તકલીફો સામે આવે છે. 30 વર્ષની ઉંમર બાદ શરીરમાં યુરિક એસિડનું લેવલ એકાએક વધી જવાની શક્યતા પણ ઊભી થાય છે. જો તમારા શરીરમાં એક વાર પણ યુરિક એસિડનું પ્રમાણ વધી જાય તો તકલીફ આજીવન રહી શકે છે. જેના કારણે સંધિવા, સુગર, હાર્ટ તેમજ કિડનીના રોગો થવાનું જોખમ પણ વધે છે. યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે દવાની સાથે સાથે કેટલીક વસ્તુઓ ખાવી જોઈએ. જો તમે વધેલા યુરિક એસિડથી પરેશાન છો તો તમારે દરરોજ સવારે નરણા કોઠે અજમાનું પાણી પીવું જોઈએ. તેમાં રહેલું ઓમેગા 3 ફેટી એસિડ્સ વધેલા યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. વધેલા યુરિક એસિડને નિયંત્રણમાં લેવા અનાજ, સફરજન, નારંગી અને સ્ટ્રોબેરી જેવા ફાઇબરયુક્ત ખોરાકને તમારા આહારમાં સામેલ કરવો જોઈએ. ઘઉંના જવારા પણ યુરિક એસિડને કંટ્રોલમાં રાખવા મદદરૂપ થઇ શકે છે. તેમાં વિટામિન સી, ક્લોરોફિલ અને ફાઈટોકેમિકલ્સનું પ્રમાણ વધુ હોય છે. લીંબુના રસ સાથે બે ચમચી જવારાનો રસ ભેળવો અને સવારે એનું સેવન કરો.

પ્રશ્ન : અમારાં લગ્ન થયાં ત્યારે અમે બે વર્ષ બાળક ન થાય તે માટે પ્લાનિંગ કર્યું હતું. હવે મારાં સાસુ-સસરા ઇચ્છે છે કે અમારે સંતાન હોવું જોઇએ. અમે બંને અનેક પ્રયત્ન કરીએ છીએ, પણ મારી પત્નીને ગર્ભ રહેતો નથી. અમારે શું કરવું? એક યુવક (વડોદરા)

ઉત્તર : તમારા લગ્ન થયા ત્યારે બાળક ન થાય તે માટે તમે બંનેએ પ્લાનિંગ કર્યું હતું, તો એ સમયે કોઇ ગાયનેકોલોજિસ્ટ કે ડોક્ટરની સલાહ લીધી હોય તો એમને પૂછી જુઓ. તમે બંનેએ તમારી રીતે જ સાવધાની રાખીને સંતાન ન થવા માટે પ્રયત્નો કર્યા હોય તો પછી હવે તમારાં પત્ની ગર્ભધારણ કરે એ માટે તમારાં પત્નીને કોઇ સારા ગાયનેકોલોજિસ્ટને બતાવો. તે સાથે જરૂરી જણાય તો તમે પણ કોઇ સેક્સોલોજિસ્ટને બતાવી જુઓ. તમને બંનેને જે તબીબી સલાહ આપવામાં આવે તે મુજબ દવા કે ઉપચાર કરવાથી તમારાં પત્ની ચોક્કસ ગર્ભધારણ કરી શકશે. ફર્ટિલિટી ફૂડ ખાવાથી પણ ગર્ભ રહેવામાં મદદ મળતી હોય છે. જો તમારે જલદી ગર્ભવતી થવું હોય તો તમારા આહારમાં તાજાં ફળો સામેલ કરો. આહારમાં બ્રાઉન રાઈસ, ઘઉંની બ્રેડ, ચણા, મગફળી આખું ધાન્ય અને ફ્લેક્સ સીડનો સમાવેશ કરો. લીલા પાંદડાવાળા શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરો. પાલક એવી મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે જે જલદીથી ગર્ભવતી બનવા માગે છે. આ શાકભાજીઓમાં એન્ટિઓક્સિડન્ટ આર્યન અને ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોવાથી એ પ્રજનન અંગોને મજબૂત બનાવે છે. ફોલિક એસિડવાળો આહાર પ્રેગનન્ટ બનવામાં મદદ કરે છે.

પ્રશ્ન : અમે ઘણી વાર સાથ માણીએ ત્યારે મારી પત્ની મને કહે છે કે એ ચરમ સીમા પ્રાપ્ત કરી શકતી નથી. મને આશ્ચર્ય થાય છે કે એના સાથ દ્વારા જો મને પરાકાષ્ઠા અને સંતોષનો અનુભવ થતો હોય તો એને કેમ નથી થતો? એને ચરમ સીમાની અનુભૂતિ કરાવવા માટે હું શું કરું? એક યુવક (સુરત)

ઉત્તર : તમારા પત્નીની ફરિયાદ યોગ્ય છે કેમ કે સામાન્યતઃ સ્ત્રીઓને ઉત્તેજના અનુભવતાં અને તે પછી જ્યારે સંબંધ બાંધે ત્યારે તેમને પરાકાષ્ઠા પ્રાપ્ત થતાં સમય લાગે છે. આ જ કારણસર સાથ માણતાં પહેલાં અનેક પ્રણયક્રીડા દ્વારા પુરુષે સ્ત્રીના મનમાં ઉત્તેજના ઉત્પન્ન કરવાની હોય છે અને માનસિક તેમજ શારીરિક રીતે એને સંબંધ બાંધવા માટે તૈયાર કરવાની હોય છે. તમે કદાચ સંબંધ બાંધવા દરમિયાન પત્નીના પ્રતિભાવને કારણે સંતુષ્ટિ અનુભવી શકતા હો, પરંતુ તમારાં પત્નીને થોડો વધારે સમય લાગી શકે છે. આથી સંબંધ માણવા દરમિયાન કેટલીક પ્રણયક્રીડાઓ પત્ની સાથે કરવાનું ચાલુ રાખો જેથી તેઓ પૂરતી ઉત્તેજના અનુભવે અને પરાકાષ્ઠા પ્રાપ્ત કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *